આતંકવાદી હુમલોઃ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની યુક્રેનને ધમકી

મિલિટરી યુનિફોર્મ પહેરેલા આતંકીઓ રશિયાની રાજધાની મોસ્કોમાં એક મોટા કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 70 લોકોના મોત થયા હતા જ્યારે 145થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ 5 આતંકવાદીઓએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ પણ ફોડ્યા હતા. રશિયામાં આ ઘટના વ્લાદિમીર પુતિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા તેના બે દિવસ બાદ બની છે.

આ મામલે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવે યુક્રેનને ધમકી આપતા કહ્યું કે જો મોસ્કો કોન્સર્ટ હોલ હુમલામાં કિવ શાસનનું નામ આવશે તો યુક્રેનના ટોચના નેતૃત્વનો આતંકવાદીઓની જેમ ક્રૂરતાથી સફાયો કરી દેવામાં આવશે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ સલાહકારે જવાબ આપ્યો કે કિવને મોસ્કોમાં થયેલા હુમલા સાથે કોઈ લેવાદેવા નથી.

ISIS-K એ હુમલાની જવાબદારી લીધી હતી

મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી છે. તેણે પોતાની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું, ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોના ક્રાસ્નોગોર્સ્કમાં સ્થિત ક્રોકસ સિટી હોલમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડા પર હુમલો કર્યો. “આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા અને મોટા પ્રમાણમાં વિનાશ થયો.

અમેરિકાએ રશિયા સાથે માહિતી શેર કરી હતી

અમેરિકન ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે અફઘાનિસ્તાનમાં આ જૂથની એક શાખા મોસ્કોમાં હુમલાની યોજના બનાવી રહી છે. તેણે આ માહિતી રશિયન અધિકારીઓ સાથે પણ શેર કરી હતી. અમેરિકાનું કહેવું છે કે ISIS-K રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે તે પોતાના પ્રચારમાં પુતિનની ટીકા કરી રહ્યું છે.