સુપર ઓવરમાં વિના રન બનાવ્યા આઉટ થઈ ટીમઃ 16 વર્ષમાં સૌપ્રથમ વાર

નવી દિલ્હીઃ T20 ક્રિકેટમાં ટાઈ બ્રેકર તરીકે સુપર ઓવરનો ઉપયોગ છેલ્લાં 16 વર્ષથી થઈ રહ્યો છે, પરંતુ શુક્રવારે બહેરિન અને હોંગકોંગ વચ્ચેની મેચમાં કંઈક એવું બન્યું કે જે પહેલાં ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થયું ન હતું. કુઆલા લમ્પુરમાં હોંગકોંગ સામે બહેરિનની ટીમ સુપર ઓવરમાં એક પણ રન કર્યા વિના જ બંને વિકેટ ગુમાવી બેઠી હતી.

મલેશિયા ત્રિપક્ષી શ્રેણીની આ મેચ દરમિયાન હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને સાત વિકેટે 129 રન બનાવ્યા હતા, એના જવાબમાં બહેરિનની ઓપનર જોડીએ ફિયાઝ અહમદ અને પ્રશાંત કુરુપે પ્રારંભિક ચાર ઓવરમાં 30 રન બનાવી ઝડપી શરૂઆત કરી.

કપ્તાન અહમર બિન નાસિરની શાનદાર બેટિંગથી બહેરિને મેચમાં પરત ફર્યું હતું. છેલ્લી ઓવરમાં જીત માટે 13 રનની જરૂર હતી. નાસિરે મધ્યમ ગતિના બોલર નસરુલ્લા રાણાની બોલ પર એક ગગનચુંબી છક્કો ફટકારીને સ્કોર બરાબર કરી દીધો, પરંતુ છેલ્લા બોલ પર વિકેટકીપર જિશાન અલીએ તેનો કેચ પકડી લીધો અને મેચ ટાઈ થઈ ગઈ હતી.

જોકે સુપર ઓવરમાં નાસિર રન નહીં બનાવી શક્યો. હોંગકોંગના અનુભવી ઓફ-સ્પિનર એહસાન ખાને સતત બે બોલ પર તેને અને સોહેલ અહમદને આઉટ કરી દીધા. ICCના નિયમો અનુસાર સુપર ઓવરમાં બે વિકેટ પડતાં જ બેટિંગ પૂરી થઈ જાય છે. ત્યાર બાદમાં, હોંગકોંગે માત્ર ત્રીજા બોલે વિજય મેળવ્યો. બાબર હયાતે વિજયી રન બનાવ્યો હતો.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં આ 33મો પ્રસંગ હતો જ્યારે કોઈ મેચ સુપર ઓવર સુધી પહોંચી હોય. રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર હતું જ્યારે બાહરિને સુપર ઓવરમાં હારનો સામનો કર્યો. આ પહેલાં તે બે વખત સુપર ઓવર જીત્યું હતું.