ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. તો બીજી તરફ મતદાન જાગૃતિ માટે પણ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લોકોને મતદાન કરવા માટે સજાવવામાં આવી રહ્યા છે. દેશમાં યુવા મતદારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવા મતદારોમાં મતદાનની જાગૃતિ આવે એના માટે ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યમાં વિધાનસભામાંની ચૂંટણી પ્રક્રિયામાં સૌથી વધારે મતદાન થાય એ માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મતદારને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્યના નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અમદાવાદ શહેરના રાજપથ કલબ રોડ પાસે આવેલા કાલી બારી મંદિર પાસે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય ગાંધીએ તમામ યુવાનોને મતદાન કરવા અપીલ કરી
પશ્ચિમ વિસ્તારનું આકર્ષણ એવા અર્બન ચોકમાં તારક મહેતા કા ઊલ્ટા ચશ્માથી પ્રખ્યાત થયેલો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભવ્ય ગાંધીએ તમામ યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી. સાથે સાથે ભવ્ય ગાંધીએ ચૂંટણીના એક સોંગ દ્વારા યુવાનોને ડાન્સ, મસ્તી અને મનોરંજન કરાવી અનોખી રીતે લોકશાહીના અવસર એવા ચૂંટણીના પર્વમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી હતી.
શહેરની અનોખી દુનિયા અર્બન ચોક જ્યાં મોજ મસ્તી અને ફન થાય છે. ત્યાં ચૂંટણી પંચે મુકેલા આધુનિક સાધનો સેલ્ફી પોઇન્ટ અને મતદાન જાગૃતિના કાર્યક્રમથી ભારે કુતુહલ સર્જાયું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)