નવી દિલ્હીઃ તામિલનાડુ સરકારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર શિક્ષણ ભંડોળમાં રૂ. 2291 કરોડથી વધુ રકમ ગેરકાયદે રીતે અટકાવવાનોનો આરોપ મૂક્યો છે. રાજ્યનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને પીએમ શ્રી શાળાઓ જેવી યોજનાઓ અમલમાં લાવવા માટે રાજ્ય પર આર્થિક દબાણ મૂકવામાં આવી રહ્યું છે.
તામિલનાડુ સરકારે રાજ્ય માટે ફાળવાયેલી શિક્ષણ રકમ રોકી રાખવા બદલ ભારતીય બંધારણની કલમ 131 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કલમ 131 હેઠળ રાજ્ય સરકારને કાનૂની અથવા બંધારણીય હકો સાથે સંબંધિત વિવાદોમાં કેન્દ્ર સરકારને કાનૂની પડકાર આપવા મંજૂરી આપવામાં આવે છે.
રાજ્ય સરકારે સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂ. 2291.30 કરોડ રકમ તાત્કાલિક જાહેર કરવાની માગ કરી છે, જે ખાસ કરીને પછાત વર્ગનાં બાળકોની શાળાની શિક્ષણ માટે ફાળવવામાં આવી છે.
આમાં રૂ. 2151.59 કરોડનો સમાવેશ થાય છે, જે નાણાકીય વર્ષ 2024-25 માટે મંજૂર રકમમાં કેન્દ્રનો 60 ટકા હિસ્સો છે અને 1 મે, 2025 સુધી ચુકવણી ન થતાં છ ટકા વાર્ષિક વ્યાજ પણ ઉમેરાયું છે. આ શિક્ષણ યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે, જેનો હેતુ સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાવાળી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્ય સરકારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટ મંજૂરી બોર્ડ (Project Approval Board) દ્વારા 16 ફેબ્રુઆરી, 2024એ રાજ્યના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી અને યોજનાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન માન્ય થયું હતું. છતાં પણ 21 મે, 2025 સુધી કેન્દ્રએ એક પણ રૂપિયો જાહેર કર્યો નથી.
તામિલનાડુએ આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય પર NEP 2020 અને પીએમ શ્રી શાળા યોજના (PM SHRI Schools Scheme) સ્વીકારવા માટે દબાણ બનાવવા માટે ગેરકાયદે રીતે નાણાંનો ઉપયોગ કરી રહી છે. આ યોજના મોડેલ શાળાઓ મારફતે NEP અમલ બતાવવા માટે રચવામાં આવી છે.
