NMACCમાં આવેલું ‘સ્વદેશ’ પેવેલિયન, ભારતીય કલા-સંસ્કૃતિને આપે છે નવું જીવન

મુંબઈ: વ્યાપક ઉત્પાદન અને ડિજિટલ ડિઝાઇનના આ આધુનિક યુગમાં, હાથ વડે બનાવવામાં આવતી વસ્તુઓનું મૂલ્ય માત્ર તેની સુંદરતા પૂરતું મર્યાદિત નથી. પરંતુ તેની પાછળ પેઢી દર પેઢીનું સમૃદ્ધ જ્ઞાન અને સંસ્કૃતિ છુપાયેલી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે રિલાયન્સ ફાઉન્ડેશનની વિશેષ પહેલ ‘સ્વદેશ’ દ્વારા ભારતની પ્રાચીન અને જીવંત હસ્તકલા પરંપરાઓને આધુનિક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

NMACCના કૉનકોર્સ પરિસરમાં સાત પેવેલિયન્સ દ્વારા ભારતીય કલા અને વારસાનું પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં દર્શાવવામાં આવતી હસ્તકલા દરેક ઋતુ સાથે બદલાય છે. હાલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનું જરદોશી કામ; તેલંગણા અને રાજસ્થાનના દંક પોલ્કી દાગીના; રાજસ્થાનના પિછવાઈ ચિત્રો અને રત્નો પરની કોતરણી; ઉત્તરપ્રદેશનું બનારસી વણાટકામ; કાશ્મીરના કાલ બાફી ગાલીચા અને સોઝની ભરતકામ; તેમજ ઓડિશા અને તેલંગણાનું ચાંદીનું જડતર કામ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે.‘સ્વદેશ’ પેવેલિયનની સૌથી મોટી વિશેષતા તેની નિકટતા છે. અહીં મુલાકાતીઓને માત્ર કલાકૃતિઓ જોવાનો જ નહીં, પરંતુ વંશપરંપરાગત કારીગરોને પ્રત્યક્ષ કામ કરતા જોવાનો અને તેમની સાથે વાર્તાલાપ કરવાનો અનેરો અનુભવ મળે છે. ઓડિશાના કારીગર દ્વારા ચાંદીના બારીક તારમાંથી બનતું ફિલિગ્રી (તારકશી) કામ હોય કે બનારસી વણકર દ્વારા રેશમના સેંકડો તારથી સજ્જ શાળ પર થતું કામ, આ સમગ્ર પ્રક્રિયા દર્શકોને મંત્રમુગ્ધ કરે છે.ઘણી લુપ્તપ્રાય થઈ રહેલી કલા-કારીગરી માટે આ પ્લેટફોર્મ એક સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, કાશ્મીરમાં શિયાળા દરમિયાન મૌસમી રોજગાર આપતું ‘સોઝની ભરતકામ’ હવે આ વૈશ્વિક મંચ દ્વારા નવી પેઢીના તાલીમાર્થીઓને પણ આકર્ષિત કરી રહ્યું છે. NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન ભારતીય હસ્તકલા પાછળ રહેલા કારીગરોના કૌશલ્ય, ધીરજ અને મહેનતને એક નવી ઓળખ અપાવી રહ્યું છે.