ટીમ ઈન્ડિયા બુધવારે ઈંગ્લેન્ડ રવાના થશે; કોહલીએ કહ્યું, અમારી ટીમ એકદમ ફિટ છે

મુંબઈ – 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર 50-50 ઓવરોની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતીય ટીમ આવતીકાલે સવારે મુંબઈથી રવાના થશે.

આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધા 30 મેથી શરૂ થશે અને 14 જુલાઈએ ફાઈનલ સાથે પૂરી થશે.

પ્રસ્થાનની પૂર્વસંધ્યાએ, આજે અહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના મુખ્યાલય ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ જાણકારી આપી હતી. કોહલીએ કહ્યું કે, વર્લ્ડ કપ સ્પર્ધામાં પરિસ્થિતિઓ નહીં, પરંતુ દબાણને વશમાં રાખવાનું સૌથી મહત્ત્વનું બની રહેતું હોય છે. અમારા તમામ બોલરો ફિટ છે, સ્ફૂર્તિવાન છે અને કોઈ થાકેલો નથી.

કોહલીએ વધુમાં કહ્યું કે બધા જ ખેલાડીઓ સરસ ફોર્મમાં છે. અમારી ધારણા છે કે આ વર્લ્ડ કપમાં હાઈ સ્કોરિંગ મેચો થશે.

કોહલીએ એમ પણ કહ્યું કે, હું અત્યાર સુધીમાં જેટલી ત્રણ વર્લ્ડ કપ સ્પર્ધા રમી ચૂક્યો છું પણ આ વખતની સ્પર્ધા સૌથી કઠિન છે. આ વખતની સ્પર્ધામાં જે ફોર્મેટ છે એનાથી ટુર્નામેન્ટને રોમાંચક તેમજ કઠિન બનાવી દીધી છે.

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમના ખેલાડીઓ જો એમની પૂરી ક્ષમતાથી રમશે તો આપણે વર્લ્ડ કપ ફરી ભારત લાવી શકીએ એમ છીએ. તીવ્ર સ્પર્ધા થવાની છે. 2015ની સરખામણીમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટીમો પણ હવે મજબૂત બની ગઈ છે.

શાસ્ત્રીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના સૌથી ધુરંધર ખેલાડી છે. આ વર્લ્ડ કપમાં ધોનીની ભૂમિકા સૌથી મોટી રહેશે. એ સર્વોત્તમ છે. ખાસ કરીને, મેચનું ચિત્ર બદલી શકવાની એનામાં ક્ષમતા રહેલી છે. આ વખતની સ્પર્ધામાં એ ધરખમ ખેલાડી સાબિત થશે.

વર્લ્ડ કપમાં, ભારતીય ટીમ તેની પહેલી મેચ પાંચ જૂને રમશે. એનો સામનો થશે દક્ષિણ આફ્રિકા સામે. તે પૂર્વે, 25 મે અને 28 મેએ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે.

વર્લ્ડ કપ માટે 15-સભ્યોની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા.