કોહલીએ તેંડુલકરના બે ODI વિક્રમની બરોબરી કરી

ગુવાહાટીઃ અહીંના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે શ્રીલંકા સામેની શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન દ્વારા કારકિર્દીની 45મી સદી ફટકારી છે. આ સાથે જ તેણે મહાન બેટર સચીન તેંડુલકરે આ ફોર્મેટમાં નોંધાવેલા બે વિક્રમની બરોબરી કરી છે. વન-ડે ક્રિકેટમાં તેંડુલકરે 49 સદી ફટકારી હતી જે વિશ્વવિક્રમ છે. 30 સદી સાથે ઘણો પાછળ ત્રીજા નંબરે રિકી પોન્ટિંગ આવે છે.

કોહલીએ આજે શ્રીલંકા સામે 9મી વન-ડે સદી ફટકારી છે. આમ, કોઈ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના તેંડુલકરના વિક્રમની તેણે બરોબરી કરી છે. કોહલી જોકે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ 9 સદી ફટકારી ચૂક્યો છે. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી.

એવી જ રીતે, કોઈ એક દેશમાં સૌથી વધારે વન-ડે સદી ફટકારવાના તેંડુલકરના વિક્રમની પણ કોહલીએ બરોબરી કરી છે. તેંડુલકરે 20 સદી ફટકારી હતી અને હવે કોહલીએ પણ 20 સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાનો હાશીમ અમલા અને ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ પોતપોતાના ઘરઆંગણે 14-14 સદી ફટકારવા સાથે બીજા નંબરે છે.

કોહલીએ આજની મેચમાં 80 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એણે લગાતાર બે વન-ડે મેચમાં સદી ફટકારી છે. આ પહેલાં બાંગ્લાદેશ સામેની મેચમાં એણે 113 રન કર્યા હતા. આજે પણ કોહલી 113 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. જેમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતનો દાવ 50 ઓવરમાં 7 વિકેટે 373 રને પૂરો થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 83, શુભમન ગિલે 70, શ્રેયસ ઐયરે 28, કે.એલ. રાહુલે 39, હાર્દિક પંડ્યાએ 14 રન કર્યા હતા. શ્રીલંકાના કેપ્ટન દસૂન શનાકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ત્રણ-મેચની સીરિઝની બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.