રાજકોટઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઇઝી ટીમ પોતાને ખરીદતી નથી એથી ચેતેશ્વર પૂજારા જરાય નિરાશ નથી થયો, પણ તે એવા લોકોની વિચારધારા બદલવા ઇચ્છે છે જેઓ એવું માને છે પોતે એક ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે અને T20 ફોર્મેટમાં નથી રમી શકતો. એવા ઘણા બેટ્સમેનો છે, જેમનો સ્ટ્રાઇક રેટ (આશરે 110) પૂજારા જેટલો જ છે, તે છતાં ફ્રેન્ચાઇઝીઓ તેમની પસંદગી કરે છે, પણ પૂજારાની અવગણના કરે છે.
પુજારાનો જવાબ
પુજારાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને દુઃખ કે આશ્ચર્ય થાય છે કે તેની યોગ્યતા કોઈ અન્ય નક્કી કરે- તો તે સ્ટાર બેટ્સમેને કહ્યું હતું કે એક ક્રિકેટર હોવાને લીધે હું આવું નથી વિચારતો. તેમ છતાં હું એવી વ્યક્તિ છું કે આ પ્રકારનો અહં ભાવ નથી રાખતો, કેમ કે મેં જોયું છે કે IPLની હરાજી ગૂંચવણભરી હોય છે.
મારી પર ટેસ્ટ ક્રિકેટરનું લેબલ લાગી ગયું છે
કેપ્ટન વિરાટ કોહલીની સાથે દેશના મહત્ત્વના ટેસ્ટ બેસ્ટમેનોમાંના એક, પૂજારાએ કહ્યું છે કે મેં જોયું છે કે હાશિમ અમલા જેવો વિશ્વ સ્તરીય બેટ્સમેન પણ હરાજીમાં નથી ખરીદાતો. કેટલાય ઘણા સારા T20 ખેલાડી છે, જેમની IPL માટે પસંદગી નથી કરવામાં આવતી. હા, તક મળશે તો હું IPLમાં રમવાનું ચોક્કસ પસંદ કરીશ. મારી પર ટેસ્ટ ખેલાડીનો થપ્પો લાગી ગયો છે અને હું આમાં કંઈ કરી શકું એમ નથી.