મુંબઈ – ભારતના ટેનિસ ખેલાડીઓ પાકિસ્તાન સામે ડેવિસ કપ મેચો રમવા માટે ઈસ્લામાબાદ જવા તૈયાર છે, પણ એમની શરત એ છે કે એમને સલામતીની ખાતરી આપવામાં આવે.
આવું ખેલાડીઓના કેપ્ટન મહેશ ભૂપતિએ કહ્યું છે.
દરમિયાન, ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)એ ટેનિસની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનને વિનંતી કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ રાજદ્વારી સ્તરે તંગદિલી સર્જાઈ હોવાથી ભારત-પાક વચ્ચેના ડેવિસ કપ મુકાબલાને કાં તો મુલતવી રાખવામાં આવે અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવામાં આવે. જોકે પાકિસ્તાન ટેનિસ ફેડરેશને કોઈ તટસ્થ સ્થળે આ મુકાબલો શિફ્ટ કરવાની શક્યતાને નકારી કાઢી છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે સરહદ બનાવતા જમ્મુ અને કશ્મીર રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો રદ કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દીધા એના વિરોધમાં પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં સેવા બજાવતા ભારતીય રાજદૂતને દિલ્હી પાછા મોકલી દીધા છે અને ભારત સાથેના વ્યાપાર સંબંધો સ્થગિત કરી દીધા છે અને ભારત સાથે જોડતી ટ્રેન અને બસ સેવાને પણ અટકાવી દીધી છે.
ભારત અને પાકિસ્તાન બંને પાસે અણુબોમ્બ છે અને બંને દેશ 1947માં બ્રિટન પાસેથી આઝાદી મેળવ્યા બાદ કશ્મીર મામલે બે યુદ્ધ લડી ચૂક્યા છે. પાકિસ્તાનસ્થિત ત્રાસવાદીઓએ જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ભયાનક આત્મઘાતી હુમલો કર્યા બાદ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદી અડ્ડાઓ પરના સર્જિકલ હુમલા રૂપે બોમ્બમારો કર્યો હતો. એને કારણે બંને દેશ વચ્ચેના સંબંધો ખૂબ વણસી ગયા છે.
મહેશ ભૂપતિનું કહેવું છે કે ટીમના ખેલાડીઓની સલામતી એ મારી મુખ્ય ચિંતાનો વિષય છે. અમે માત્ર અમારી સુરક્ષાની ગેરન્ટી માગીએ છીએ.
જોકે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને AITAને અગાઉ જણાવી જ દીધું છે કે ઈસ્લામાબાદમાં સલામતીની જે વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી તે સંતુષ્ટ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસ્લામાબાદમાં 14-15 સપ્ટેંબરે ડેવિસ કપ મુકાબલા માટેની મેચો રમાવાની છે.
ભારતીય ટેનિસ ટીમ છેલ્લે 1964માં ડેવિસ કપ મુકાબલો રમવા ગઈ હતી. એ વખતે ભારતે પાકિસ્તાનને 4-0થી પરાજય આપ્યો હતો. પાકિસ્તાન ટેનિસ ટીમ છેલ્લે 2006માં ભારતમાં રમવા આવી હતી જ્યારે પાકિસ્તાન 3-2થી હારી ગયું હતું.
ભારતની ક્રિકેટ ટીમ પણ 2007ની સાલથી પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી. 2008માં મુંબઈમાં ટેરર હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું માલુમ પડ્યા બાદ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષી સ્પોર્ટ્સ સંબંધો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બંને દેશની ટીમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એકબીજા સામે રમતી રહી છે.
કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુએ કહ્યું છે કે ડેવિસ કપ મુકાબલો ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષી સીરિઝ નથી, પણ વિશ્વ ગવર્નિંગ સંસ્થા દ્વારા યોજવામાં આવી રહી છે એટલે ટેનિસ ખેલાડીઓને ઈસ્લામાબાદમાં રમવા જતા સરકાર નહીં અટકાવે.
ભારતીય ટીમના ખેલાડીઓ છેઃ મહેશ ભૂપતિ (કેપ્ટન), પ્રજ્ઞેશ ગુણેશ્વરન, રામકુમાર રામનાથન, સુમિત નાગલ, રોહન બોપન્ના, દિવીજ શરન.
બેમાંથી જે ટીમ જીતશે એ આવતા વર્ષે વર્લ્ડ ગ્રુપ પ્લેઓફ્સમાં રમવા માટે ક્વાલિફાય થશે.