હેડિંગ્લી – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે લીડ્સ ખાતે રમાઈ ગયેલી મેચમાં શ્રીલંકાએ અપસેટ પરિણામ આપ્યું છે. એણે સ્પર્ધાની ફેવરિટ ટીમ ઈંગ્લેન્ડને 20-રનથી પરાજય આપ્યો છે.
શ્રીલંકાના કેપ્ટન દિમૂઠ કરૂણારત્નેએ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ તેની 50 ઓવરમાં 9 વિકેટે 232 રન કર્યા હતા.
233 રનના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડની ટીમ 47 ઓવરમાં 212 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડનો બેટિંગ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 89 બોલમાં 82 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે ફટકાબાજી કરીને ઈંગ્લેન્ડને જિતાડવાની પૂરી કોશિશ કરી હતી, પણ એને સામે છેડે જોઈએ એવો ટેકો મળ્યો હતો. સ્ટોક્સે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડને જીતવા ન દેવા માટે શ્રીલંકાના બોલરોમાં મોખરે રહ્યો હતો અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગા. એણે 10 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. એને પ્લેયર ઓફ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે ઝડપેલા શિકાર છે – જોની બેરસ્ટો (0), જેમ્સ વિન્સ (14), જો રૂટ (57) અને વિકેટકીપર જોસ બટલર (10). બેરસ્ટો અને બટલરને એણે લેગબીફોર આઉટ કર્યા હતા.
ઓફ્ફ સ્પિનર ધનંજય ડી સિલ્વાએ 3, ડાબોડી મધ્યમ ઝડપી બોલર ઈસુરુ ઉડાનાએ 2 અને નુવન પ્રદીપે 1 વિકેટ લીધી હતી.
અગાઉ, શ્રીલંકાના દાવમાં એન્જેલો મેથ્યૂસ 115 બોલમાં 85 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. અડધી સદી કરવામાં તે એની ટીમમાંથી એકલો જ સફળ થયો હતો. અવિષ્કા ફર્નાન્ડોએ 49, કુસલ મેન્ડિસે 46 રન કર્યા હતા. કેપ્ટન કરુણારત્ને (1) અને વિકેટકીપર કુસલ પરેરા (2)ની ઓપનિંગ જોડી નિષ્ફળ ગઈ હતી. ધનંજય ડી સિલ્વા બેટિંગમાં પણ થોડોક ઉપયોગી થયો હતો અને 29 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડના બે ફાસ્ટ બોલર – જોફ્રા આર્ચર અને માર્ક વૂડે 3-3 વિકેટ લીધી હતી. લેગ સ્પિનર આદિલ રશીદે 2 અને ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે એક વિકેટ લીધી હતી.