વિજય શંકરને પણ ઈજા થઈ; એ ટ્રેનિંગમાં હાજર ન થયો

સાઉધમ્પ્ટન – ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ સ્પર્ધા રમવા આવેલી ભારતીય ટીમમાં એક વધુ ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઓલરાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠામાં ઈજા થઈ છે.

શંકરને આ ઈજા બુધવારે અત્રે તાલીમ સત્ર વખતે થઈ હતી અને તે આજે સવારે તાલીમ સત્રમાં હાજર થયો નહોતો.

બુધવારે તાલીમ વખતે જસપ્રિત બુમરાહે ફેંકેલો યોર્કર શંકરના પગના અંગૂઠામાં વાગ્યો હતો અને એ પીડાથી કણસતો જોવા મળ્યો હતો.

જોકે ટીમની નિકટના સૂત્રનું કહેવું છે કે શંકરની ઈજા ચિંતાજનક નથી.

સૂત્રએ કહ્યું કે, હા, એ સાચી વાત છે કે શંકર પગમાં સ્લિપર પહેરીને સહેજ લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો. બાદમાં એણે જિમ ટ્રેનર્સ સાથે જોગિંગ કરવાની પણ ટ્રાય કરી હતી, પણ અડધું અંતર દોડીને એ અટકી ગયો હતો.
તે પછી એણે ફિલ્ડિંગ ડ્રિલ્સ વખતે થોડીક સાધારણ કસરતો કરી હતી.

શંકર ભારતીય બેટિંગ લાઈન-અપમાં ચોથા નંબરનો બેટ્સમેન છે. એ મધ્યમ ઝડપી બોલિંગ પણ કરે છે.

પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં એણે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદ સહિત બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી.

ઓપનર શિખર ધવન હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થવાથી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. અને ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારના ઘૂંટણની પાછળની બાજુની નસ ખેંચાઈ જતાં એ પણ હવે પછીની બે મેચમાં રમી શકે એમ નથી. આમ, શંકરને થયેલી ઈજાથી ભારતીય ટીમમાં ચિંતા વધી ગઈ છે અને ટીમ મેનેજમેન્ટ માટે ટેન્શન વધી ગયું છે.

ભૂવનેશ્વર કુમાર આઠ દિવસ સુધી બોલિંગ કરી નહીં શકે. એ ટૂંકા અંતર સુધી દોડતો અને જોગિંગ કરતો દેખાયો હતો, પણ એણે નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો.