સાઉધમ્પ્ટન – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. રોઝ બોલ મેદાન પર આજે અહીં રમાઈ ગયેલી મેચ, જે સ્પર્ધામાં ભારતની પહેલી જ હતી, એમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 6-વિકેટથી પરાજય આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને 9 વિકેટે 227 રન કર્યા એના જવાબમાં ભારતે 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 230 રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતના વિજયનો શ્રેય જાય છે ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને – એની શાનદાર, અણનમ 23મી ODI સદી માટે અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલને – દક્ષિણ આફ્રિકાની 4 વિકેટ પાડવા માટે.
દક્ષિણ આફ્રિકાએ આપેલા 228 રનના ટાર્ગેટના પડકારને વાઈસ-કેપ્ટન રોહિત શર્માએ સહર્ષ ઝીલી લીધો હતો અને કારકિર્દીની 23મી સદી ફટકારી દીધી. એણે તેના 100 રન પૂરા કર્યા ત્યારે ભારતનો સ્કોર 40.4 ઓવરમાં 3 વિકેટે 175 રન હતો. મેચને અંતે, રોહિત શર્મા 144 બોલમાં, 13 ચોગ્ગા, બે છગ્ગા સાથે 122 રન અને હાર્દિક પંડ્યા 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વિનિંગ શોટ પંડ્યાએ માર્યો હતો. એણે પોતાના 7 બોલના દાવમાં 3 બાઉન્ડરી ફટકારી હતી.
રોહિત શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (34) વચ્ચે ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી થઈ હતી. એ પહેલાં, શર્મા અને લોકેશ રાહુલ (26) વચ્ચે ત્રીજી વિકેટ માટે 85 રનની કિંમતી ભાગીદારી થઈ હતી.
રોહિત શર્માએ 128 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. ભારતના આઉટ થનાર અન્ય બેટ્સમેનો છે – શિખર ધવન (8) અને કેપ્ટન વિરાટ કોહલી (18).
ભારત હવે તેની બીજી મેચ 9 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે.
સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાનો આ સતત ત્રીજો પરાજય છે. આ પહેલાં તે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર્યું હતું.
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત વતી સૌથી વધુ સદી કરનારાઓઃ
49 – સચીન તેંડુલકર
41 – વિરાટ કોહલી
23 – રોહિત શર્મા
22 – સૌરવ ગાંગુલી
16 – શિખર ધવન
15 – વિરેન્દર સેહવાગ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 227 રન કર્યા હતા. એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ ખૂબ નાજુક સ્થિતિમાં હતી જ્યારે 89 રનમાં જ એની પાંચ વિકેટ પડી ગઈ હતી, જેમાં ડુ પ્લેસી (38)નો પણ સમાવેશ થતો હતો. પરંતુ ત્યારબાદ ડેવિડ મિલર (31), એન્ડીલ ફેલુક્વેયો (34) ક્રિસ મોરીસ (42) કેગીસો રબાડા (31*)એ ભારતના બોલરોને લડત આપી હતી અને એમની ટીમને સમ્માનજનક સ્કોર અપાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર ભારતનો બોલર રહ્યો – લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ, જેણે 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ લીધી હતી. અન્ય સ્પિનર, ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 10 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ લીધી હતી.
વિકેટ લેવામાં ભારતના બે ફાસ્ટ બોલરને પણ સફળતા મળી હતી – જસપ્રિત બુમરાહ (10 ઓવરમાં 35 રનમાં 2 વિકેટ), ભૂવનેશ્વર કુમાર (10 ઓવરમાં 44 રનમાં 2 વિકેટ).
સ્કોરબોર્ડ પર 100 રનનો આંકડો દેખાય એ પહેલાં જ દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટ પડી ચૂકી હતી – હાશીમ અમલા (6), ક્વિન્ટન ડી કોક (10), રાસી વાન ડેર ડસન (22), ડુ પ્લેસી (38), જ્યાં-પૌલ ડુમિની (2).
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે દક્ષિણ આફ્રિકાના દાવનું નુકસાન કરવામાં ભારતના બોલરોની આગેવાની લીધી હતી. એણે અમલા અને ડી કોકને આઉટ કર્યા હતા. ત્યારબાદ લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે ડસન અને ડુ પ્લેસીને પોતાની કાંડાની કરામત વડે છક્કડ ખવડાવી ક્લીન બોલ્ડ કર્યા હતા.
ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ડુમિનીને લેગબીફોર આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની પાંચમી વિકેટ 89 રનના સ્કોર પર પડી હતી.
બંને ટીમ આ મુજબ હતીઃ
ભારતીય ઈલેવનઃ
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
દક્ષિણ આફ્રિકા ઈલેવનઃ
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), હાશીમ અમલા, ફાફ ડુ પ્લેસી (કેપ્ટન), રાસી વેન ડર ડસન, ડેવિડ મિલર, જ્યાં-પૌલ ડુમિની, એન્ડીલ ફેલુક્વેયો, ક્રિસ મોરીસ, કેગીસો રબાડા, ઈમરાન તાહિર, તબરેઝ શામસી.
વર્લ્ડ કપમાં ભારત, દક્ષિણ આફ્રિકા વચ્ચે આ પહેલાં 4 મેચ રમાઈ ચૂકી હતી. એમાં દક્ષિણ આફ્રિકા 3માં, જ્યારે ભારત માત્ર એક જ મેચ જીત્યું હતું.
ICC યોજિત સ્પર્ધાઓમાં ભારત વિ. દક્ષિણ આફ્રિકા – છેલ્લા 6 મુકાબલા
WT20 2012: ભારતનો 1-રનથી વિજય
CT 2013: ભારતનો 26-રનથી વિજય
WT20 2014: ભારતનો 6-વિકેટથી વિજય
WC 2015: ભારતનો 130 રનથી વિજય
CT 2017: ભારતનો 8-વિકેટથી વિજય
ICC WC 2019: ભારતનો 6-વિકેટથી વિજય
બુધવારની મેચોમાં, દક્ષિણ આફ્રિકા પર ભારતના (6-વિકેટથી) વિજય અને બાંગ્લાદેશ પર ન્યૂઝીલેન્ડના (2-વિકેટથી) વિજય બાદ ટીમોની સ્થિતિ આ મુજબ રહી છે.