એશિયન ઈલેવનમાં ભારતના આ ચાર ખેલાડીઓને સમાવેશ

નવી દિલ્હી:  બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને એશિયા ઇલેવન ટીમ માટે સિલેક્ટેડ ખેલાડીઓના નામ મોકલી દીધા છે. મહત્વનું છે કે, બાંગ્લાદેશ પોતાના સંસ્થાપક શેખ મુજીબઉર રહેમાનની 100મી જન્મજયંતિના અવસરે બે T-20 મેચનું આયોજન કરી રહ્યું છે. આ મેચ એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે 18 અને 21 માર્ચના રોજ ઢાકામાં રમાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ‘સૌરવ ગાંગુલીએ ખેલાડીઓની ઉપલબ્ધતાના આધાર પર જ બીસીબીને નામ મોકલ્યા છે. આ મેચ માટે પાકિસ્તાનના ખેલાડીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. ભારત તરફથી વિરાટ કોહલી, શિખર ધવન, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી એશિયા ઈલેવન ટીમનું પ્રતિનિધિત્વ કરશે. નામ અમુક સમય અગાઉ જ મોકલી દેવાયા હતા કારણ કે બાંગ્લાદેશ બોર્ડને ટીમ તૈયાર કરવા ખેલાડીઓની યાદી જોઈતી હતી.

બીસીસીઆઈના મદદનીશ સચિવ જયેશ જોર્જે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, આ મેચ માટે પાકિસ્તાનના ખેલાડીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અમને જે સમાચાર મળ્યા છે તે અનુસાર, એશિયા ઇલેવનમાં એક પણ પાકિસ્તાની ખેલાડી નહીં હોય. જો કે, પાકિસ્તન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ખેલાડીઓને પહેલાથી જ મેચથી દૂર જ રાખવામાં આવ્યા છે કારણ કે તે પાકિસ્તાન સુપર લીગ(પીએસએલ)માં વ્યસ્ત રહેશે.