ઓકલેન્ડ – કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ ઝપાટાબંધ હાફ-સેન્ચુરી ફટકારતાં અને શિખર ધવન (30) તથા રિષભ પંત (40*) તરફથી ઉપયોગી યોગદાન મળતાં ભારતે આજે અહીં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. ત્રણ મેચની સીરિઝમાં બંને ટીમ આ સાથે 1-1થી સમાન થઈ છે. ત્રીજી અને સીરિઝની આખરી, નિર્ણાયક મેચ 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 158 રન કર્યા હતા.
ભારતે તેના જવાબમાં, 18.5 ઓવરમાં માત્ર ત્રણ વિકેટના ભોગે 162 રન કરીને મેચ જીતી લીધી હતી. રિષભ પંતે વિનિંગ શોટના રૂપમાં બાઉન્ડરી ફટકારી હતી. એ 28 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એની સાથે અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 44 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ 29 બોલમાં ચાર છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 50 રન ફટકાર્યા હતા.
આજના પરફોર્મન્સ સાથે રોહિત શર્મા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનકર્તા બન્યો છે. એણે 2288 રન કર્યા છે, જે વિશ્વમાં બીજા કોઈ પણ બેટ્સમેન કરતાં વધારે છે.
આજની મેચ પૂર્વે આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટીલના નામે હતો – 2272 રન. પાકિસ્તાનનો શોએબ મલિક 2263 રન સાથે ત્રીજા ક્રમે છે. આજે રોહિતે આ બંને બેટ્સમેનને પાછળ રાખી દીધા છે.
રોહિતે એની સિક્સરોની પણ આજે સદી પૂરી કરી હતી. આજે એણે કુલ ચાર સિક્સર ફટકારતાં એની સિક્સરોનો આંકડો 102 પર પહોંચી ગયો છે, જે મેચ પૂર્વે 98 સિક્સરનો હતો. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઈલ અને માર્ટિન ગપ્ટીલ – બેઉ જણ 103 સિક્સર સાથે બીજા નંબરે છે.
ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પણ રોહિતના નામે થયો છે. એણે 14માંથી 12 મેચ જીતી છે. આ રેકોર્ડમાં એણે ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને પાકિસ્તાનના સરફરાઝ એહમદની બરોબરી કરી છે.
શોએબ મલિક 11 જીત સાથે તેમજ ગ્રેમ સ્મિથ અને મહેલા જયવર્દને 10-10 જીત સાથે એ પછીના નંબરે આવે છે.
આજની મેચમાં ડાબોડી બોલર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો. એણે ચાર ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી.