સિડનીઃ ભારત અહીં સિડની ક્રિકેટ ગાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં હારમાંથી બચવામાં સફળ રહ્યું છે. આજે પાંચમા અને છેલ્લા દિવસે મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી (23*) અને બોલિંગ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન (39*) સાથે મળીને 6ઠ્ઠી વિકેટ માટે કુલ 259 બોલ (43 ઓવર) રમી ગયા હતા, 62 રનની અતૂટ ભાગીદારી કરીને કાંગારું બોલરો-ફિલ્ડરોના સતત પ્રયાસ છતાં આઉટ ન જ થયા. મેચ જીતવા માટે ભારતને 407 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ કેપ્ટન અજિંક્ય રહાણે 4 રન કરીને, વિકેટકીપર રિષભ પંત (97) 250 રનના સ્કોર પર અને ચેતેશ્વર પૂજારા (77) 272 રનના સ્કોર પર આઉટ થયા બાદ ભારતે જીતવાનો પ્રયાસ પડતો મૂકી દીધો હતો. વિહારી અને અશ્વિને મેચને ડ્રોમાં લઈ જવાના પ્રયાસો પર જ જોર આપ્યું હતું. વિહારી 161 બોલ રમ્યો હતો જ્યારે અશ્વિને 128 બોલનો સામનો કર્યો હતો. એક જ મેન્ડેટરી ઓવર ફેંકાવાની બાકી હતી ત્યારે બંને ટીમના કેપ્ટને મેચનો અંત લાવી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે 334 રન હતો. બીજા દાવમાં ભારત 131 ઓવર રમીને મેચને ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યું.
પરાજય ટાળી શકાયો તેથી ભારતીય ક્રિકેટપ્રેમીઓને નિરાંત થઈ છે અને કેપ્ટન અજિંક્ય રહાણે ખુશ થયો છે. તેણે વિહારી, અશ્વિન, પંત અને પૂજારાના લડાયક ખમીરના વખાણ કર્યા છે. અમે સાથીઓએ આજે સવારે જ ચર્ચા કરી હતી કે આજે આપણે આપણી પ્રતિષ્ઠા પ્રમાણે રમવાનું છે અને અંત સુધી લડતા રહેવાનું છે. તેમજ પરિણામ વિશે વિચારવાનું નથી. જે રીતે આખી મેચ રમાઈ અને તેમાંય ખાસ કરીને આજે અમે જે રીતે લડત આપી તેનાથી હું બહુ જ ખુશ થયો છું, એમ રહાણેએ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની વખતે કહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવન સ્મીથને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો, જેણે પહેલા દાવમાં 131 અને બીજા દાવમાં 81 રન કર્યા હતા. ચાર-મેચોની સિરીઝ હજી પણ 1-1થી સમાન છે. ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.