મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ભારતીય સિનિયર રાષ્ટ્રીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીના વાર્ષિક પગારમાં 20 ટકાનો વધારો કર્યો છે.
એક અહેવાલ અનુસાર, શાસ્ત્રીનો પગાર હવે રૂ. 10 કરોડના આંકની નજીક પહોંચી ગયો હોવાનું માનવામાં આવે છે. આ પહેલાં એમનો પગાર 8 કરોડ રૂપિયા હતો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શાસ્ત્રીએ 2021ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમના હેડ કોચનું પદ પોતાની પાસે જાળવી રાખ્યું છે.
ક્રિકેટ બોર્ડે માત્ર શાસ્ત્રીનો જ પગાર નહીં, પરંતુ કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોનો પગાર પણ નોંધપાત્ર રીતે વધારી દીધો છે.
બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને વાર્ષિક રૂ. 3.5 કરોડનો પગાર મળશે જ્યારે વિક્રમ રાઠોરને લગભગ અઢીથી ત્રણ કરોડની વચ્ચેની રકમનો પગાર મળશે. રાઠોર બેટિંગ કોચ તરીકે સંજય બાંગડના અનુગામી બન્યા છે. બેટિંગ કોચ તરીકે બાંગડ ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં ચોથા નંબરે કોઈ બેટ્સમેનને નિશ્ચિત કરવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડે એમને રવાના કરી દીધા છે.
નવો કોન્ટ્રાક્ટ આ વર્ષની 1 સપ્ટેંબરથી જ અમલમાં આવશે.
કપિલ દેવની આગેવાની હેઠળની સલાહકાર સમિતિએ ટીમના હેડ કોચ તરીકે શાસ્ત્રીની મુદતને લંબાવવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમ સાથે શાસ્ત્રીની આ ચોથી મુદત છે. અગાઉ 2007માં એ ટીમ ઈન્ડિયાના મેનેજર હતા, 2014-16 સુધી ટીમ ડાયરેક્ટર હતા અને 2017થી હેડ કોચ પદે છે.