હવે રેડિયો પર ફરીથી ક્રિકેટ કમેન્ટ્રી સાંભળવા મળશે…

નવી દિલ્હીઃ એ દિવસો કોણ ભૂલી શકે જ્યારે ગામડામાં લોકો એક રેડિયોની ફરતે ક્રિકેટ ગ્રાઉન્ડની જેમ ગોઠવાઈને ક્રિકેટની લાઈવ કોમેન્ટ્રી સાંભળતા? આ રોમાંચ જ કંઈક અલગ હતો. એ સમયે લોકો રેડિયો પર ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળીને પોતે ગ્રાઉન્ડ પર લાઈવ મેચ નિહાળતા હોવાનો અનુભવ કરતાં.

વર્ષો પહેલાં ઓલ ઇન્ડિયા રેડિયો દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીનો શ્રેષ્ઠ સ્ત્રોત હતો. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટ્રેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને અબ્બાસ અલી બેગ જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા. કદાચ ભારતમાં ક્રિકેટની રમત આટલી લોકપ્રિય થવા પાછળ રેડિયોની પણ મહત્વની ભૂમિકા રહી છે.

ખેર,સમયની સાથે સાથે સંચારના માધ્યમો બદલાતા ગયા અને રેડિયો લોકોના જીવનથી દૂર થતો ગયો. અને રેડિયો પરથી ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ પણ બંધ થઈ ગયું. ત્યારબાદ એફએમ ચેનલો શરુ થઈ જેને રેડિયોના નવા અવતાર તરીકે માનવામાં આવે છે જે આજની યુવા પેઢીમાં ઘણી લોકોપ્રીય છે. મરણપથારીએ પડેલા રેડિયોના યુગને વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા ફરી જીવંત કરવાનો પ્રયત્ન કર્યો છે.

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે.

પણ હવે રેડિયોના શોખીનો માટે ગુડ ન્યૂઝ છે. હવે સ્માર્ટફોનના જમાનામાં પણ ક્રિકેટ પ્રેમીઓ ફરીથી રેડિયો પર ક્રિકેટ મેચની લાઈવ કોમેન્ટ્રી સાંભળી શકશે. બીસીસીઆઈ એ નિર્ણય કર્યો છે કે, ભારતમાં રમાનારી તમામ મેચોનું આકાશવાણી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેને લઈને બીસીસીઆઈ અને આકાશવાણી વચ્ચે 2 વર્ષ માટે 31 ઓગસ્ટ 2021 સુધીના કરાર કરવામાં આવ્યા છે.

બીસીસીઆઈએ આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે. બીસીસીઆઈ એ ટ્વીટ કરતા લખ્યું કે, ભારતમાં યોજાનારી તમામ ક્રિકેટ મેચોની લાઈવ કોમેન્ટ્રી આકાશવાણીના ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)  પર કરવામાં આવશે. જેમાં ભારતમાં યોજાનાર ઘરેલુ ટૂર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે.

આ કરારની શરુઆત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં રમનાર ત્રણ મેચોની T-20 સીરીઝના પ્રથમ મેચથી થશે. મહત્વનું છે કે, સમગ્ર ભારતમાં લાખો ક્રિકેટ ચાહકોને લાઈવ રેડિયો કોમેન્ટ્રીના માધ્યમથી ક્રિકેટ સાથે જોડાઈ શકશે. આજે પણ દેશના ઘણા વિસ્તારો એવા છે જેમાં ટીવી નથી ત્યાં લોકો રેડિયો પર લાઈવ કોમેન્ટ્રી સાંભળી શકશે.

ભારતમાં યોજાનારી આંતરાષ્ટ્રીય મેચોની સાથે જ મહત્વપૂર્ણ ઘરેલૂ મેચોની કોમેન્ટ્રી પણ રેડિયો પર સાંભળવા મળશે. જેમાં રણજી ટ્રોફીની ફાઈનલ, દિલીપ ટ્રોફીની ફાઈનલ, દેવધર ટ્રોફીની તમામ મેચોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા ચેલેન્જર સીરિઝ, સૈયદ મુશ્તાક અલીની સુપર લીગ મેચો અને ઈરાની ટ્રોફીની મેચની લાઈવ કોમેન્ટ્રી પણ રેડિયો પર આપવામાં આવશે. આ કરારમાં વિજય હજારે ટ્રોફી, આઈપીએલ અને ભારતમાં યોજાતા આઈસીસીની સીરિઝનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]