મુંબઈ – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોનું માનવું છે કે દિલ્હી ડેરડેવિલ્સના ઓપનર પૃથ્વી શૉની બેટિંગ ટેકનિક દંતકથા સમા ક્રિકેટર સચીન તેંડુલકર જેવી છે.
પૃથ્વી આઈપીએલ-11માં દિલ્હીની ટીમનો સભ્ય છે. એણે ચાર મેચમાં 166.66ના સ્ટ્રાઈક રેટ સાથે 140 રન કર્યા છે.
સ્ટાર સ્પોર્ટ્સના સીલેક્ટ ડગઆઉટ શોમાં પૃથ્વીની બેટિંગ ટેકનિક વિશે મંતવ્ય આપતાં માર્ક વોએ કહ્યું કે એ ઘણું ખરું સચીન તેંડુલકર જેવી છે. પૃથ્વીની ગ્રિપ, એનું સ્ટાન્સ અને જે રીતે એ ક્રીઝ પર ટકી રહે છે તેમજ વિકેટની ચારેકોર એના તમામ શોટ્સ જોઈને મને લાગે છે કે એ તેંડુલકર જેવો છે.
વોનું વધુમાં કહેવું છે કે પૃથ્વી બોલને સહેજ મોડેથી ફટકારે છે અને એનો સ્ટ્રોક પ્લે પંચી છે. એ ઘણું બધું સચીનની જેમ રમે છે.
18 વર્ષના પૃથ્વીએ વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં પોતાની બીજી જ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
આ પહેલાં, પૃથ્વીની આગેવાની હેઠળ ભારતે આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.