ગુજરાંવાલા (પંજાબ, પાકિસ્તાન) – પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી ટૂંક સમયમાં જ ભારતીય છોકરી શામિયા આરઝૂ સાથે લગ્ન કરવાનો છે.
હસન અલી અને હરિયાણાનિવાસી શામિયાનાં લગ્ન 20 ઓગસ્ટે થવાના છે.
ભારતીય છોકરી સાથે લગ્ન કરનાર હસન અલી ચોથો પાકિસ્તાની ક્રિકેટર બનશે. આ પહેલાં શોએબ મલિક ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝાને, મોહસીન ખાન બોલીવૂડ અભિનેત્રી રીના રોયને અને ઝહીર અબ્બાસ ઈન્ટિરીયર ડિઝાઈનર રીટા લુથરાને પરણી ચૂક્યાં છે.
25 વર્ષીય હસન અલી તાજેતરની વર્લ્ડ કપ સ્પર્ધામાં રમેલી પાકિસ્તાન ટીમનો સભ્ય હતો. એના અને શામિયાનાં લગ્ન દુબઈની હોટેલમાં થવાના છે, એમ ન્યૂઝ ઈન્ટરનેશનલ અખબારનો અહેવાલ છે.
હસન અલી અને શામિયા બ્રિટનમાં એક મુલાકાત બાદ એકબીજાનાં પ્રેમમાં પડ્યા હતાં. આરઝૂ એન્જિનીયર છે અને દુબઈમાં નોકરી કરે છે.
શોએબ મલિક અને સાનિયાએ 2010માં લગ્ન કર્યા હતા. બંનેને ઈઝાન મિર્ઝા-મલિક નામે એક પુત્ર છે.
હસન પાકિસ્તાન વતી 9 ટેસ્ટ મેચ અને 53 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે.