હેમિલ્ટન – પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી, જે ભારત 3-0થી જીતીને અજેય સરસાઈમાં હતું, તે સરસાઈ હવે ઘટીને 3-1 થઈ ગઈ છે. આજે અહીં રમાઈ ગયેલી ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડની ભારતને 8-વિકેટથી કચડી ગઈ.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલાં ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
સૌનાં આશ્ચર્ય વચ્ચે ભારતીય ટીમની વિકેટો ટપોટપ પડી હતી અને ટીમ 30.5 ઓવરમાં માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડની ટીમે તેના જવાબમાં 14.4 ઓવરમાં બે વિકેટના ભોગે 93 રન કરીને મેચ જીતી લીધી હતી. રોસ ટેલર 37 રન અને હેન્રી નિકોલ્સ 30 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. માર્ટિન ગપ્ટિલ 14 અને કેપ્ટન વિલિયમ્સન 11 રન કરીને આઉટ થયો હતો.
ભારતના દાવમાં, 8 વિકેટ માત્ર 55 રનમાં જ પડી ગઈ હતી. 10મા નંબરે આવેલો યુઝવેન્દ્ર ચહલ સૌથી વધુ, 18 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વિરાટ કોહલીની જગ્યાએ સુકાન સંભાળનાર રોહિત શર્માએ 7 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 21 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. એણે 4 ઓવર મેઈડન પણ નાખી હતી. કોલીન ડી ગ્રેન્ડહોમે 3 વિકેટ ઝડપી હતી.
મેચ બાદ રોહિત શર્માએ કબૂલ કર્યું હતું કે ભારતીય ટીમનો આજનો બેટિંગ દેખાવ 50-ઓવરોવાળી મેચોની ક્રિકેટમાં તેના સૌથી ખરાબ દેખાવોમાંનો આ એક છે. ઘણા લાંબા સમય બાદ ભારતે આવો ખરાબ બેટિંગ દેખાવ કર્યો.
પસંદગીકારોએ કોહલીને વર્તમાન સીરિઝની છેલ્લી બે મેચમાંથી વિશ્રામ આપ્યો છે જ્યારે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની સાથળની નસ ખેંચાઈ જવાથી ઈજાગ્રસ્ત હતો તેથી રમી શક્યો નહોતો.
ભારતના ટોચના છમાંના પાંચ બેટ્સમેન ડબલ ફીગરમાં પણ પહોંચી શક્યા નહોતા.
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોની પ્રશંસા કરી હતી અને કહ્યું કે એમણે હવામાનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. અમારો બેટિંગ દેખાવ આટલો ખરાબ રહેશે એવી ધારણા રાખી નહોતી.
આજની મેચ રોહિત શર્માની કારકિર્દીની 200મી મેચ હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ 14મો ભારતીય ખેલાડી બન્યો છે. આજની મેચ શુભમન ગિલની કારકિર્દીની પહેલી જ મેચ હતી, પણ એ માત્ર 9 રન જ કરી શક્યો હતો.
બંને ટીમ વચ્ચેની પાંચમી અને શ્રેણીની આખરી મેચ 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.