ભારતે પાંચમી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 35 રનથી હરાવી સીરિઝ 4-1થી જીતી

વેલિંગ્ટન – વિરાટ કોહલીની ગેરહાજરીમાં ચોથી મેચની જેમ, આજે પાંચમી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ ભારતીય ટીમનું સુકાન સંભાળનાર રોહિત શર્મા અને એના સાથીઓએ આજની મેચમાં ન્યૂઝીલેન્ડને 35 રનથી હરાવી દીધું. આ સાથે ભારતે પાંચ-મેચોની સીરિઝ 4-1થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે ચોથી મેચમાં ભારતને હરાવ્યું હતું.

આજની મેચમાં, ભારતે 49.5 ઓવરમાં કરેલા 252 રનના જવાબમાં, ન્યૂઝીલેન્ડ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ન્યૂઝીલેન્ડનો કોઈ બેટ્સમેન હાફ સેન્ચૂરી નજીક પણ પહોંચી શક્યો નહોતો. હાઈએસ્ટ સ્કોર રહ્યો જેમ્સ નીશામનો – 44 રન, જેને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ રનઆઉટ કર્યો હતો.

કોલીન મુનરોએ 24, હેન્રી નિકોલ્સે 8, કેપ્ટન કેન વિલિયમ્સને 38, રોસ ટેલરે 1, વિકેટકીપર ટોમ લેથમે 37, કોલીન ડી ગ્રેન્ડહોમે 11, મિચેલ સેન્ટનરે 22, ટોડ એસ્ટલે 10, મેટ હેન્રીએ અણનમ 17 અને ટ્રેન્ટ બોલ્ટે 1 રન કર્યો હતો.

લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ 41 રનમાં 3 વિકેટ લઈને ભારતનો બેસ્ટ બોલર બની રહ્યો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી જ્યારે ભૂવનેશ્વર કુમાર અને કેદાર જાધવે એક-એક બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.

અગાઉ, ભારતના દાવની વિશેષતા રહી હતી અંબાતી રાયડુનાં 90 રન અને વિજય શંકર (45) સાથે પાંચમી વિકેટ માટે એની 98 રનની ભાગીદારી. ભારતે માત્ર 18 રનના જ સ્કોર પર રોહિત શર્મા (2), શિખર ધવ (6), શુભમન ગિલ (7) અને મહેન્દ્ર સિંહ ધોની (1)ની વિકેટો ગુમાવી દીધી હતી. એ ધબડકાને કારણે ભારત ચોથી મેચની જેમ 100નાં આંકે પહોંચવામાં નિષ્ફળ જશે એવું એક સમયે લાગ્યું હતું, પણ રાયડુ અને શંકર અને ત્યારબાદ કેદાર જાધવ (34) તથા હાર્દિક પંડ્યા (22 બોલમાં 45)નાં યોગદાને ભારતને ઉગાર્યું હતું.

અંબાતી રાયડુ (90 રન) – પ્લેયર ઓફ ધ મેચ

પંડ્યાએ તેના દાવમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. રાયડુએ 113 બોલનો સામનો કર્યો હતો જેમાં ચાર સિક્સ અને 8 બાઉન્ડરી ફટકારી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

સમગ્ર સીરિઝમાં 9 વિકેટ લેનાર મોહમ્મદ શમીને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

હવે બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં, બીજી 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં અને ત્રીજી 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]