ભારતની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. એને 2021માં ન્યૂઝીલેન્ડમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની વર્લ્ડ કપ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું છે તેથી એણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
મિતાલીએ કહ્યું છે કે ભારત માટે ODI વર્લ્ડ કપ જીતવાનું તેનું સપનું રહ્યું છે અને એને સાકાર કરવા માટે તે પોતાનું બધું ધ્યાન 2021ની વર્લ્ડ કપ પર કેન્દ્રિત કરવા માગે છે. ‘હું મારી બધી શક્તિ વન-ડે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ જીતવા માટે લગાવી દેવા માગું છું. એમાં હું મારો શ્રેષ્ઠ દેખાવ કરવા માગું છું,’ એમ આ વિશ્વ વિક્રમસર્જક મહિલા ક્રિકેટરે કહ્યું છે.
36 વર્ષીય મિતાલીની T20 કારકિર્દી – આંકડાની દ્રષ્ટિએ…
– મિતાલીએ 32 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતનું સુકાન સંભાળ્યું હતું.
– કારકિર્દી દરમિયાન મિતાલી ત્રણ T20 વર્લ્ડ કપમાં રમી હતી. 2012 (શ્રીલંકા), 2014 (બાંગ્લાદેશ) અને 2016 (ભારત).
– મિતાલી 2006ની સાલથી T20 ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી રહી છે.
– ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ 2006માં ડર્બીમાં રમી હતી. મિતાલી એ મેચમાં કેપ્ટન હતી.
– મિતાલી કુલ 89 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી જેમાં એણે 37.5ની સરેરાશ સાથે કુલ 2,364 રન કર્યા છે. જે ભારતીય મહિલા ક્રિકેટરનો રેકોર્ડ છે. એનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે 97 રન
– T20 ક્રિકેટમાં વ્યક્તિગત રીતે 2000 રનના આંકે પહોંચનાર મિતાલી પહેલી જ ભારતીય હતી
– મિતાલીનો જન્મ 3 ડિસેંબર, 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.
– મિતાલીએ ભરતનાટ્યમ નૃત્યમાં પણ તાલીમ લીધી છે અને ઘણી વાર સ્ટેજ કાર્યક્રમો પણ કર્યાં છે
– મિતાલીનાં પિતા દોરાઈ રાજ ભારતીય હવાઈ દળમાં અધિકારી હતા.
– મિતાલી તેની સૌ પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ 1999માં રમી હતી, જે આયરલેન્ડમાં રમાઈ હતી. એમાં મિતાલીએ અણનમ 114 રન કર્યા હતા.
– મિતાલી તેની પહેલી ટેસ્ટ મેચ 2001-02માં લખનઉમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. એમાં તે ઝીરો પર આઉટ થઈ હતી.
– 2002ની 17 ઓગસ્ટે 19 વર્ષની ઉંમરે મિતાલીએ પોતાની ત્રીજી જ ટેસ્ટ મેચમાં 214 રન કરીને વ્યક્તિગત સ્કોરનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. એણે કરેન રોલ્ટનનો 209 રનનો રેકોર્ડ તોડ્યો હતો.
– મિતાલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6,000થી વધુ રન કર્યા છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ એકમાત્ર મહિલા ક્રિકેટર છે
– વન ડે ક્રિકેટમાં લગાતાર સાત સેન્ચુરી ફટકારનાર મિતાલી એકમાત્ર મહિલા ક્રિકેટર છે.
– મિતાલી તેની છેલ્લી ટ્વન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ આ વર્ષની 9 માર્ચે ઈંગ્લેન્ડ સામે રમી હતી જેમાં એણે 32 બોલમાં 30 રન કર્યા હતા અને નોટઆઉટ રહી હતી.
– મિતાલીને 2018માં રમાઈ ગયેલી T20i વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચમાં વિવાદાસ્પદ રીતે પડતી મૂકવામાં આવી હતી. ભારત તે મેચ હારી ગયું હતું.
– મિતાલીને 2015માં પદ્મશ્રી ખિતાબથી સમ્માનિત કરવામાં આવી હતી. એ પહેલાં, 2014માં એને અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી.