મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની વર્લ્ડ કપ સ્પર્ધાની ટ્રોફીઓનું અનાવરણ કરવાની છે.
કરીના મહિલાઓ અને પુરુષ ક્રિકેટરો માટેની 2020 આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધાઓની ટ્રોફીઓનું મેલબર્ન શહેરમાં જઈને અનાવરણ કરશે.
circleofcricket.comના જણાવ્યા મુજબ, કરીનાએ કહ્યું છે કે મેલબર્નમાં પ્રતિષ્ઠિત ટ્રોફીઓની અનાવરણ વિધિનો પોતે હિસ્સો બનશે એનાથી પોતે ગર્વની લાગણી મહેસુસ કરી રહી છે.
એક નિવેદનમાં કરીનાએ કહ્યું છે કે, આ પ્રતિષ્ઠિત સાંજનો હિસ્સો બનવા બદલ હું પોતાને ખુશનસીબ ગણું છું. સપનું સાકાર કરવા માટે સ્પર્ધામાં પોતપોતાનાં દેશ વતી રમનાર તમામ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવાનું મને ગમશે. આવા આંતરરાષ્ટ્રીય મંચ પર એમને સાથે મળીને રમતી જોવાનો તે એક ખરેખર લ્હાવો હશે. આ ખેલાડીઓ સૌને માટે પ્રેરણા છે.
કરીનાએ વધુમાં કહ્યું કે, મારાં સસરા મહાન ક્રિકેટરોમાંના એક હતા જે ભારતીય ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા અને ટ્રોફીનું અનાવરણ કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારું ગૌરવ સમજું છું.
ઓસ્ટ્રેલિયામાં, મહિલાઓની T20 વર્લ્ડ કપ સ્પર્ધા આવતા વર્ષની 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે જ્યારે પુરુષોની વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેંબર સુધી રમાશે.
વર્લ્ડ કપમાં આ 16 ટીમો ભાગ લેશેઃ
ઓસ્ટ્રેલિયા
ભારત
ઈંગ્લેન્ડ
સાઉથ આફ્રિકા
ન્યૂઝીલેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
પાકિસ્તાન
શ્રીલંકા
બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન
આયરલેન્ડ
નેધરલેન્ડ્સ
નામિબિયા
ઓમાન
સ્કોટલેન્ડ
પપુઆ ન્યૂગીની
સ્પર્ધાના ગ્રુપ તબક્કામાં આઠ ટીમો હશે – શ્રીલંકા, બાંગ્લાદેશ, પપુઆ ન્યૂગીની, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન.
સુપર-12 તબક્કામાં 12 ટીમ રમશે – ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ ગ્રુપ તબક્કામાંથી ચાર ટીમ ક્વાલિફાય થશે.