દિલ્હીમાં પ્રદૂષણને કારણે પરિસ્થિતિ રમવા માટે અનુકૂળ નથીઃ ડોમિંગો (બાંગ્લાદેશ ટીમના કોચ)

નવી દિલ્હી – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ-મેચોની સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રવિવારે અહીંના અરૂણ જેટલી (અગાઉના ફિરોઝશાહ કોટલા) સ્ટેડિયમમાં રમાવાની છે.

દિલ્હીમાં હાલ હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. તે વિશે બાંગ્લાદેશ ટીમના કોચ રસેલ ડોમિંગોએ પણ ટિપ્પણી કરવાની તક ઝડપી લીધી છે. એમણે કહ્યું કે અમે ફરિયાદ નથી કરતા, પણ દિલ્હીનું વાતાવરણ અનકૂળ નથી.

ડોમિંગોએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ પરિસ્થિતિ એકલા અમારે માટે નથી, ભારતની ટીમ માટે પણ છે એટલે અમારે સાથે મળીને એનો સામનો કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પર્વ બાદ પાટનગર દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે. હવામાન સતત ખરાબ રહેવા લાગ્યું છે. અરૂણ જેટલી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) 400નો નોંધાયો હતો.

બાંગ્લાદેશના ટીમે મેનેજમેન્ટે આજે પ્રેક્ટિસ વખતે એના ખેલાડીઓ માટે માસ્ક મગાવ્યા હતા. બાંગ્લાદેશ ટીમના ઓપનર લિટન દાસે આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. એણે બાદમાં કહ્યું કે એને શ્વાસ લેવામાં પણ થોડીક તકલીફ પડતી હતી. એટલા માટે જ એણે માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું.

ડોમિંગોનું કહેવું છે કે દિલ્હીમાં ન ગરમી વધારે છે અને ન વધારે પવન છે, પરંતુ ધૂમ્મસ ચિંતાનો વિષય છે. બંને ટીમના ખેલાડીઓ માટે આવા હવામાનમાં રમવું ઉચિત ન કહેવાય, પરંતુ અમે કોઈ ફરિયાદ કરતા નથી. અમારી ટીમના અમુક ખેલાડીઓને આંખો અને ગળામાં તકલીફ થઈ છે, પણ એ ઠીક છે. કોઈ બીમાર નથી પડ્યું કે ન તો મરવા જેવું થઈ ગયું છે. અમે લોકો આવા હવામાનમાં મેદાન પર છ કે સાત કલાકથી વધારે રહેવાનું પસંદ કરતા નથી. રવિવારે અમારે ત્રણ કલાકની મેચ રમવાની છે.

ભારત સામેની ટ્વેન્ટી-20 સિરીઝ પૂર્વે જ બાંગ્લાદેશને મોટો આંચકો એ પડ્યો કે એનો અનુભવી અને સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન મેચફિક્સિંગ-બુકીના મામલે સસ્પેન્ડ થઈ ગયો છે.

ભારતીય ટીમ જેટલી મેદાનની પીચથી સંતુષ્ટ

ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓએ જેટલી સ્ટેડિયમની પીચ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ક્યૂરેટર અંકિત દત્તાએ બનાવેલી પીચ જોઈને ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓએ આનંદ વ્યક્ત કર્યો છે. તેઓ પ્રભાવિત થયા છે.

ઉલ્લેખનીય છે કે કોટલા સ્ટેડિયમની પીચ અગાઉ તમામ પ્રકારની ફોર્મેટની મેચો માટે બદનામ થઈ છે. પછી તે ટેસ્ટ મેચ હોય, વન-ડે ઈન્ટરનેશનલ હોય, ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ હોય કે આઈપીએલની મેચ હોય. એવી ફરિયાદો થઈ છે કે આ પીચ પર બેટિંગ કરતી વખતે બોલ બેટ પર યોગ્ય રીતે આવતો નથી પરિણામે બેટ્સમેનોને મુક્ત રીતે ફટકા મારવા મળતા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]