નાગપુર – રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે આજે અહીં વીસીએ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં બાંગ્લાદેશને 30-રનથી હરાવીને 3-મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે. દિલ્હીમાં પહેલી મેચ બાંગ્લાદેશ જીત્યું હતું, રાજકોટમાં બીજી મેચ જીતીને ભારતે શ્રેણીને જીવંત રાખી હતી.
બાંગ્લાદેશના કેપ્ટન મેહમુદુલ્લાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે શ્રેયસ ઐયરના 62, લોકેશ રાહુલના 52 રનના મુખ્ય યોગદાન સાથે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 174 રન કર્યા હતા. એના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની જીતનો હિરો બન્યો ફાસ્ટ બોલર દીપક ચાહર, જેણે 3.2 ઓવરમાં માત્ર 7 રન આપીને 6 વિકેટ લીધી. આ 6 વિકેટમાં હેટ-ટ્રિકનો પણ સમાવેશ થાય છે. ચાહરે તેની ત્રીજી ઓવરના છેલ્લા બોલે શૈફુલને આઉટ કર્યો હતો. ત્યારપછી પોતાની નવી ઓવરના પહેલા બોલે મુસ્તફિઝુરને અને તે પછીના બોલે અમીનુલ ઈસ્લામને આઉટ કર્યો હતો. એ સાથે જ મેચ અને શ્રેણીનો અંત આવી ગયો હતો.
ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ચાહર પહેલો જ ભારતીય બોલર બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતીય બોલરો છે – હરભજન સિંહ, ઈરફાન પઠાણ અને જસપ્રિત બુમરાહ.
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતીય બોલરો છે – ચેતન શર્મા, કપિલ દેવ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.
બાંગ્લાદેશની ટીમના મોહમ્મદ નઈમે 48 બોલમાં 10 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 81 રન ફટકારીને તેની ટીમને જીતની આશા અપાવી હતી, પણ ભારતના પક્ષે મધ્યમ ઝડપી બોલર શિવમ દુબેએ ટૂંકા ગાળામાં 3 વિકેટ પાડી દેતાં અને તેમાંના બે જણને તો ઝીરો પર આઉટ કરી દેતાં બાંગ્લાદેશની ટીમ તાણ હેઠળ આવી ગઈ હતી. દુબેએ જ નઈમને ક્લીન બોલ્ડ કર્યો હતો. દુબેએ 4 ઓવરમાં 30 રન આપીને 3 કિંમતી વિકેટ લીધી હતી.
કેપ્ટન મેહમુદુલ્લા (8)ની વિકેટ લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી.
દીપક ચાહરે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બેસ્ટ બોલિંગનો વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે. 7 રનમાં 6 વિકેટ લઈને એ નવો વિક્રમ ધારક બન્યો છે. આ પહેલાનો રેકોર્ડ શ્રીલંકાના એ. મેન્ડિસનો હતો – 8 રનમાં 6 વિકેટનો, જે તેણે 2012માં ઝિમ્બાબ્વે સામે નોંધાવ્યો હતો. ભારતનો રેકોર્ડ આ પહેલાં યુઝવેન્દ્ર ચહલના નામે હતો – 25 રનમાં 6 વિકેટનો, જે તેણે 2017માં બેંગલોરમાં ઈંગ્લેન્ડ સામે નોંધાવ્યો હતો.
હવે ભારત અને બાંગ્લાદેશ બે-ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ 14 નવેંબરથી ઈન્દોરમાં અને બીજી તથા આખરી 22 નવેંબરથી કોલકાતામાં રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ હશે.
(હેટ-ટ્રિક સાથે ભારતની મેચમાં તેમજ શ્રેણીમાં શાનદાર જીત.. દીપક ચાહરના આનંદનો પાર ન રહ્યો)
#TeamIndia win by 30 runs to clinch the three-match series 2-1.#INDvBAN pic.twitter.com/vChBI1jjxW
— BCCI (@BCCI) November 10, 2019