સિડનીઃ અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં શનિવારના ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતના બે ખેલાડી – જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની દર્શકો દ્વારા કરાયેલી જાતિવાદી ઉશ્કેરણીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સંસ્થાએ વખોડી કાઢી છે અને આ બાબતમાં તપાસ કરવાનો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડને આદેશ આપ્યો છે.
ત્રીજા દિવસની રમત દરમિયાન સ્ટેન્ડમાંથી જાતિપ્રેરિત કમેન્ટ્સ કરાયા બાદ ભારતીય ટીમે બંને ફિલ્ડ અમ્પાયરો તથા થર્ડ અમ્પાયર તેમજ મેચ રેફરી ડેવીડ બૂનને જાણ કરી હતી. આજે ચોથા દિવસની રમત વખતે સ્ટેડિયમના અધિકારીઓ સતર્ક રહ્યા હતા અને આજે પણ જેવો એવો બનાવ બન્યો કે છ જણને સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આઈસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ મનુ સાહનીએ કહ્યું કે ક્રિકેટની રમતમાં ભેદભાવને સ્થાન નથી. આ પ્રકારની વર્તણૂક જરાય ચલાવી ન લેવાય.
દરમિયાન, ચોથી ટેસ્ટમાં ભારતની સ્થિતિ નાજુક છે. જીત માટે એને 407 રનનો ટાર્ગેટ અપાયો છે. આજે ચોથા દિવસની રમતને અંતે ભારતે તેના બીજા દાવમાં રોહિત શર્મા (52) અને શુભમન ગિલ (31)ની વિકેટ ગુમાવીને 98 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને કેપ્ટન અજિંક્ય રહાણે 4 રન સાથે દાવમાં હતો. પહેલા દાવમાં 94 રનની લીડ મેળવનાર ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ ટી-બ્રેક બાદ 6 વિકેટે 312 રને ડિકલેર કર્યો હતો. ચાર-મેચની સિરીઝમાં બંને ટીમ હાલ 1-1થી સમાન છે.
