મેસ્સીને અજાણ્યાઓ તરફથી ધમકી અપાતાં ખળભળાટ

બોગોટા (આર્જેન્ટિના): આર્જેન્ટિનાની વર્લ્ડ કપ-2022 વિજેતા ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સી માટે એક ચોંકાવનારી ઘટના બની છે. એના સસરાની માલિકીના એક બંધ સ્ટોર પર બંદૂકધારીઓએ એક ડઝન જેટલી ગોળીઓ છોડી હતી અને મેસ્સીને ધમકી આપતો એક સંદેશ પણ મૂકતા ગયા છે.

આ હુમલો રોસેરિઓ શહેરની એક સુપરમાર્કેટમાં થયો હતો. આ શહેર મેસ્સીનું વતન છે અને દેશના પાટનગર બ્યુનોસ આયર્સથી લગભગ 320 કિ.મી. દૂરના અંતરે આવેલું છે. સુપરમાર્કેટની બહાર મૂકવામાં આવેલા એક હસ્તલિખિત સંદેશમાં આવું લખાણ હતું: ‘મેસ્સી, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. જાવકિન કેફી દ્રવ્યનો વ્યસની છે. એ તારી સંભાળ લઈ નહીં શકે.’ આ ઉલ્લેખ રોસેરિઓના મેયર પાબ્લો જાવકિન માટેનો છે.

પોલીસનું કહેવું છે કે બે શખ્સ એક મોટરસાઈકલ પર આવ્યા હતા અને મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકૂઝોનાં માતાપિતાનાં પરિવારના યૂનિકો સુપરમાર્કેટ સ્ટોર પર 14 વખત ગોળીબાર કર્યો હતો. સુપરસ્ટોરના માલિકોએ કહ્યું છે કે એમને ખંડણી માટે કે અન્ય કોઈ ધમકી આપતો કોઈ ફોન કોલ આવ્યો નથી.

મેયર જાવકિને આ હુમલા માટે રોસેરિઓ શહેરમાં કેફી દ્રવ્ય સંબંધિત ગુનાઓના વધી રહેલા પ્રમાણને જવાબદાર ગણાવ્યું છે.

મેસ્સી અને એની પત્ની તથા સંતાનો હાલ પેરિસમાં રહે છે.