દેશમાં ખેલકૂદ ક્ષેત્ર માટેના પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ એવોર્ડ માટે આ વર્ષે દિવ્યાંગ મહિલા એથ્લીટ દીપા મલિકની પસંદગી કરવામાં આવી છે. એમણે આ એવોર્ડ એમનાં સ્વર્ગસ્થ પિતા બાલકૃષ્ણ નાગપાલને અર્પણ કર્યો છે. એમણે કહ્યું કે આ પુરસ્કાર માટે મારી પસંદગી ‘સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્રને ખરી અંજલિ સમાન છે.
‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ મેળવનાર દીપા મલિક દ્વિતીય દિવ્યાંગ એથ્લીટ છે. 2017માં દિવ્યાંગ જેવેલીન થ્રોઅર (ભાલાફેંક ખેલાડી) દેવેન્દ્ર ઝાઝરીયાને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
દિવ્યાંગ ખેલાડીઓ માટેની પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર દીપા સૌપ્રથમ ભારતીય મહિલા છે. એમણે 2016ની રિયો ડી જેનેરોમાં આયોજિત ઉનાળુ પેરાલિમ્પિક્સમાં ગોળાફેંક રમતમાં રજત ચંદ્રક જીત્યો હતો. એમણે 2018માં દુબઈમાં પેરા એથ્લેટિક ગ્રાં પ્રી સ્પર્ધામાં ભાલાફેંક રમતમાં સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો.
48 વર્ષીય દીપા મલિકે કહ્યું છે કે મારું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સબકા સાથ, સબકા વિકાસ દ્રષ્ટિકોણ સમગ્ર દેશમાં છવાઈ ગયો છે. પેરા એથ્લીટ્સની સખત મહેનતની કદર કરવા બદલ હું જ્યૂરી સભ્યો તથા ખેલકૂદ જગતનો આભાર માનું છું. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની સમગ્ર ઝૂંબેશ માટે આ એક પ્રેરણા છે અને આનાથી ટોકિયો ઓલિમ્પિક્સ વખતે દરેક એથ્લીટનો આત્મવિશ્વાસ વધશે. આ માત્ર મારું જ સમ્માન નથી, પરંતુ સમગ્ર પેરા-એથ્લીટ સમુદાયનું સમ્માન છે. હું પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા અને હંમેશાં મને સહયોગ આપનાર મારાં મિત્રો, પ્રશિક્ષકો અને લોકોની આભારી છું. હું મારો આ એવોર્ડ મારાં સદ્દગત પિતાને અર્પણ કરું છું, જેઓ આની લાંબા સમય સુધી રાહ જોતાં રહ્યા હતા. એમનું ગયા વર્ષે નિધન થયું હતું. જો તેઓ જીવતા હોત તો સૌથી વધારે ખુશ થયા હોત.
દીપા મલિક આવતા વર્ષે ટોકિયોમાં યોજાનાર પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાનાં નથી, કારણ કે એ ગેમ્સમાં એમની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હાલ તેઓ 2022ની કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યાં છે જે ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં યોજાવાની છે.