જ્યોર્જટાઉન (ગયાના) – ત્રણેય ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો જીતીને વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટવોશ કર્યા બાદ ભારતીય ટીમ આજથી ગૃહ ટીમ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝનો આરંભ કરશે. 50-ઓવરવાળી 3-મેચોની સીરિઝની પહેલી મેચ અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે.
ભારત લગાતાર આઠ વન-ડે દ્વિપક્ષી શ્રેણીઓ જીત્યું છે. હવે 9મી જીતવાનું તેનું લક્ષ્ય છે.
ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી મેચમાં 4-વિકેટથી, બીજીમાં ડકવર્થ/લૂઈસ મેથડને આધારે 22 રનથી અને ત્રીજી મેચમાં 7-વિકેટથી પરાજય આપ્યો હતો. છેલ્લી મેચમાં નવોદિત લેગસ્પિનર દીપક ચાહરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો જ્યારે કૃણાલ પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરાયો હતો.
બંને ODI ટીમ આ મુજબ છેઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચાહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ એહમદ, નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઝઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, જોન કેમ્પબેલ, ઈવીન લૂઈસ, શાઈ હોપ (વિકેટકીપર), શિમરોન હેટમેયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, કીમો પૌલ, શેલ્ડન કોટ્રેલ, ઓશેન થોમસ, કીમાર રોશ.
બંને ટીમ વચ્ચેની બીજી વન-ડે મેચ 11 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેન, ટ્રિનિડાડમાં અને ત્રીજી તથા આખરી 14 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેનમાં જ રમાશે. ત્યારબાદ બે ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. પહેલી ટેસ્ટ 22-26 ઓગસ્ટે નોર્થ સાઉન્ડ, એન્ટીગામાં અને બીજી તથા આખરી 30 ઓગસ્ટથી 3 સપ્ટેંબર સુધી કિંગ્સટન, જમૈકામાં રમાશે. ટેસ્ટ મેચો ભારતીય સમય મુજબ રાતે 8 વાગ્યાથી શરૂ થશે.
ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઓપનર શિખર ધવન ફરી ટીમમાં સામેલ થઈ ગયો છે. રોહિત શર્મા સાથે મળીને ભારતને મજબૂત સ્ટાર્ટ અપાવવાની એની જવાબદારી રહેશે. વર્લ્ડ કપમાં રોહિત સાથે દાવનો આરંભ કરનાર કે.એલ. રાહુલ ચોથા ક્રમે બેટિંગ કરશે એવી ધારણા છે. કેપ્ટન વિરાટ કોહલી વન-ડાઉન રમશે.
મધ્યમ ઓર્ડરમાં એક વધુ સ્થાન માટે મનીષ પાંડે અને શ્રેયસ ઐયર વચ્ચે રસાકસી છે.
એવી જ હરીફાઈ સ્પિનરોમાં છે. કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચાહલ અને કેદાર જાધવ વચ્ચેની આ હરીફાઈમાં બે સ્થાન નક્કી થશે – એક ઓલરાઉન્ડરનું અને બીજું લેગસ્પિનરનું.
ફાસ્ટ બોલિંગ મોરચે, ભૂવનેશ્વર કુમારને કદાચ આરામ અપાય એવી ધારણા છે. એ ત્રણેય ટ્વેન્ટી-20 મેચોમાં રમ્યો હતો. તેથી મોહમ્મદ શમી, નવદીપ સૈની અને ખલીલ એહમદ આજની મેચમાં રમે એવી ધારણા છે.
સામે છેડે, ધરખમ ફટકાબાજ ઓપનર ક્રિસ ગેલના સમાવેશ સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમ મજબૂત બની ગઈ છે. ગેલ જાહેરાત કરી ચૂક્યો છે કે આ સીરિઝ એની કારકિર્દીની આખરી હશે. 39 વર્ષનો ગેલ આ સીરિઝમાં છવાઈ જાય એવી કેપ્ટન જેસન હોલ્ડર આશા રાખતો હશે.