ભારત-વિન્ડીઝ પહેલી વન-ડે મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી

જ્યોર્જટાઉન (ગયાના) – અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ગઈ કાલે વરસાદને કારણે ધોવાઈ ગઈ. માત્ર 13 ઓવર જ નાખી શકાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ક્રિસ ગેલ (4)ની વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. ગેલને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. ગેલ 31 બોલ રમ્યો હતો.

વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ટોસ ઉછાળવામાં વિલંબ થયો હતો અને ત્યારે ટીમદીઠ 43 ઓવર રમાડવાનો નિર્ણય લેવાયો હતો.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વરસાદે મેચ અટકાવી ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો ઈવીન લૂઈસ 36 બોલમાં 40 રન અને વિકેટકીપર શાઈ હોપ 11 બોલમાં 6 રન કરીને દાવમાં હતો.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3-મેચોની સીરિઝની બાકીની બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. બીજી મેચ 11 ઓગસ્ટે અને ત્રીજી 14 ઓગસ્ટે રમાશે.

ભારતે આ પહેલાં 3-મેચોની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને ત્રણેય મેચમાં હરાવીને વ્હાઈટવોશ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના દાવમાં 5.4 નખાઈ હતી અને સ્કોર વિકેટ વગર 9 રન હતો ત્યારે પણ વરસાદ પડ્યો હતો અને મેચ અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ મેચને ટીમ દીઠ 40-ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. પરંતુ બાદમાં અમ્પાયરો મેદાનના આઉટફિલ્ડમાં ભીની જગ્યાઓ જોઈને નારાજ થયા હતા અને મેચને અટકાવી દીધી હતી. ભીના ભાગો પર માટી છાંટવામાં આવી હતી. એ વિલંબને કારણે મેચને ટીમ દીઠ 34-ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]