માન્ચેસ્ટર – ઈંગ્લેન્ડમાં આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધામાં રમી રહેલી અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ પોલીસના લફડામાં ફસાયા છે.
અફઘાન ખેલાડીઓ ગયા સોમવારે અહીંની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં એમને ઝઘડો થયો હતો, એને પરિણામે પોલીસને બોલાવવી પડી હતી.
તે ઘટના ગઈ કાલે મંગળવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ મેચની પાછલી રાતે બની હતી.
ઈંગ્લેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાનનો 150 રનથી પરાજય થયો હતો.
બીબીસીના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનના ખેલાડીઓને રેસ્ટોરન્ટમાં જોઈને એક સામાન્ય માણસ પોતાના મોબાઈલ ફોનથી મૂવી ઉતારવા માંડ્યો હતો ત્યારે ખેલાડીઓએ વાંધો ઉઠાવ્યો હતો. એમાં પેલા માણસ સાથે ખેલાડીઓને ઝઘડો થઈ ગયો હતો.
માન્ચેસ્ટરમાં લિવરપૂલ રોડ પર આવેલી અકબર્સ રેસ્ટોરન્ટમાં તે ઘટના સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 11.30 વાગ્યે બની હતી. તે મામલો આખરે પોલીસમાં ગયો હતો.
ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં પોલીસને બોલાવવી પડી હતી.
પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને સૌને શાંત પાડી દીધા હતા.
બનાવમાં કોઈને ઈજા નહોતી પહોંચી અને કોઈની ધરપકડ પણ કરાઈ નથી. તે છતાં પોલીસે તપાસ ચાલુ રાખી છે.