મુંબઈ: ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)નું 13મું સંસ્કરણ આવી રહ્યું છે. જે માટે 19 ડિસેમ્બરના રોજ કોલકાત્તા ખાતે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. પ્રથમ વખત ખેલાડીઓની હરાજી કોલકાત્તામાં કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ કોલકાત્તા નાઈટ રાઈડર્સનું હોમગ્રાઉન્ડ છે.
આ વખતે 11 દેશના કુલ 971 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી કે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. 971 ખેલાડીઓમાંથી 713 ભારતીય છે જ્યારે 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
આઈપીએલ-2020 માટે કુલ 73 ખાલી જગ્યાઓને ભરવામાં આવશે. તમામ ટીમને 9 ડિસેમ્બરની રાત સુધીમાં પોતાના ખેલાડીઓની સૂચી તૈયાર કરવાનો સમય આપવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓનો આ વખતે પણ રજિસ્ટ્રેશમાં દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સૌથી વધારે રસ દાખવ્યો છે.
વિદેશના ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના 55, દક્ષિણ આફ્રિકાના 54, શ્રીલંકાના 39, ન્યૂઝીલેન્ડના 24, ઈંગ્લેન્ડના 22, વેસ્ટ ઈન્ડિઝના 34, અફઘાનિસ્તાનના 19, બાંગ્લાદેશના 06, ઝિમ્બાબ્વેના 03, નેધરલેન્ડના 01 જ્યારે અમેરિકાના 01 ખેલાડીનો સમાવેશ થાય છે.