લાઉડરહિલ (ફ્લોરિડા) – અમેરિકાના આ શહેરમાં આજે રમાઈ ગયેલી પણ વરસાદ-ખરાબ હવામાનને કારણે પડતી મૂકી દેવાયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિજને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર નક્કી કરાયેલા પરિણામમાં 22-રનથી પરાજય આપ્યો હતો.
3-મેચોની સીરિઝ ભારતે 2-0થી કબજામાં કરી લીધી છે. ગઈ કાલે પહેલી મેચમાં ભારતે 4-વિકેટથી વિજય મેળવ્યો હતો. ત્રીજી અને સીરિઝની છેલ્લી મેચ 6 ઓગસ્ટે ગયાનામાં રમાશે.
અમેરિકામાં ક્રિકેટની રમતને ઉત્તેજન આપવાના આઈસીસીના નિર્ણયને લીધે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ, બંને ટીમ ફ્લોરિડામાં બે મેચ રમવા આવી હતી.
આજની મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં પાંચ વિકેટે 167 રન કર્યા હતા.
તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર જ્યારે 15.3 ઓવરમાં 4 વિકેટે 98 રન હતો ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા પણ થયા હતા અને અમ્પાયરોએ મેચને પડતી મૂકી દેવાનો નિર્ણય લીધો હતો.
આજની મેચની વિશેષતા વાઈસ-કેપ્ટન રોહિત શર્માના શાનદાર 67 રન હતા. એણે આ રન 51 બોલમાં, 6 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી બનાવ્યા હતા. ટ્વેન્ટી-20 ફોર્મેટમાં શર્માની આ 17મી હાફ સેન્ચુરી છે. આ સાથે એ આ ફોર્મેટની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો છે. એણે 105 સિક્સરના ક્રિસ ગેલના વિક્રમને આજે તોડી નાખ્યો છે. હવે એ 107 સિક્સર સાથે પહેલા નંબર પર છે.
કેપ્ટન કોહલીએ 28, શિખર ધવને 23, કૃણાલ પંડ્યાએ અણનમ 20, વિકેટકીપર રિષભ પંતે 4, મનીષ પાંડેએ 6 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કોહલીને સતત બીજી મેચમાં ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે ક્લીન બોલ્ડ કર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના દાવમાં, ડાબોડી સ્પિનર કૃણાલ પંડ્યાએ બે વિકેટ લીધી હતી જ્યારે ઓફ્ફ સ્પિનર વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. કૃણાલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના દાવમાં રોવમેન પોવેલ 54 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. એણે 34 બોલના દાવમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.