દક્ષિણ આફ્રિકા: બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 73 લોકોના મોત, 52 થી વધુ ઘાયલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 73 લોકોના મોત થયા છે, જ્યારે 52થી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરના મધ્યમાં સ્થિત બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરુવારે સવારે આગ લાગી હોવાના અહેવાલ છે. ફાયર ફાઈટરોએ અત્યાર સુધીમાં 73 મૃતદેહોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા છે.

 

જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ બચાવ કામગીરીમાં સામેલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં આગ લાગી હતી તે બિલ્ડીંગનો ઉપયોગ બેઘર લોકો માટે બિનસત્તાવાર આવાસ તરીકે થતો હતો અને તેના માટે કોઈ સત્તાવાર ભાડા કરાર નથી. બિલ્ડીંગમાં આટલા બધા લોકો એકસાથે હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં 200 થી વધુ લોકો હોવાની શક્યતા છે. હાલમાં બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગના મોટા ભાગ પર કાબુ મેળવ્યો હતો. આમ છતાં બિલ્ડિંગના મોટા ભાગમાં બારીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ સિવાય બેડશીટ્સ અને અન્ય વસ્તુઓ પણ બારીઓમાંથી લટકતી જોઈ શકાય છે. તે સ્પષ્ટ નથી કે લોકોએ તેનો ઉપયોગ ઇમારતમાંથી ભાગી જવા માટે કર્યો હતો અથવા તેમની વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવા માટે બારીઓમાંથી વસ્તુઓ ફેંકી હતી.