ફરી ટળ્યું શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન, રોકેટમાં ખાર્મી સર્જાતા Axiom-4 મિશન પર બ્રેક વાગી

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. ‘સ્ટેટિક ફાયર’ પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા.

SpaceXએ પુષ્ટી કરી

SpaceXએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS) માટે નિર્ધારિત Axiom-4 મિશનના લોન્ચિંગને મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. શુભાંશુને લઈને Axiom-4 મિશન બુધવારે સાંજે 5:30 વાગ્યે લોન્ચ થવાનું હતું. Axiom-4 મિશનમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષ યાત્રીઓ શામેલ હતા.

કઈ ખામી સર્જાઇ? 

SpaceXએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે Axiom-4 મિશન માટે ફાલ્કન 9 રોકેટનું આવતીકાલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવી રહ્યું છે જેથી SpaceX ટીમો LOx લીકને ઠીક કરી શકે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે લોન્ચિંગની નવી તારીખ સમારકામ પૂર્ણ થવા અને રેન્જ ઉપલબ્ધતાના આધારે શેર કરવામાં આવશે.

આ ચોથી વખત છે જ્યારે Axiom-4 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા પણ લોન્ચ મુલતવી રાખવું પડ્યું હતું. તે સમયે હવામાન અનુકૂળ ન હતું અને વરસાદની ૪૫ ટકા શક્યતા હતી. લોન્ચ સ્થળ પર જોરદાર પવન ફૂંકાયો હતો.

લોન્ચ થયા પછી, Axiom-4 મિશન હેઠળના અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લગભગ 14 દિવસ વિતાવશે. આ સમય દરમિયાન તેઓ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ, જીવન વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સંબંધિત ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આ પ્રયોગો વિશ્વભરના 30થી વધુ દેશોના સંશોધકો સાથે મળીને કરવામાં આવશે.આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ તે રાકેશ શર્માના 1984ના ઐતિહાસિક મિશનની યાદ અપાવે છે. શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને ગગનયાન કાર્યક્રમના ચાર અવકાશયાત્રીઓમાંના એક છે.