શુભાંશુ શુક્લાનું દેશ પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

અવકાશમાં ભારતનો ધ્વજ લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના દેશ પરત ફર્યા છે. તેમનું વિમાન રવિવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ, ઈસરોના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓના એક જૂથ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ તેમની સાથે હાજર હતા.

શુભાંશુ પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી રેખા અને મંત્રી જીતેન્દ્રએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપીને ભારતમાં આગમન પર તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ ત્યાં હાજર હતા. જેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા અને તાળીઓ પાડી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે લખ્યું, ‘ગગનયાન મિશનના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સવારે દિલ્હી પહોંચ્યા ત્યારે ભારતના અવકાશ કાર્યક્રમ માટે ગર્વની ક્ષણ આવી. દિલ્હી એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઈસરોના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન અને વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અવકાશ ગૌરવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ આગમન ભારતીય અવકાશ કાર્યક્રમમાં સિદ્ધિઓ અને દેશની અવકાશ યાત્રામાં નવા સીમાચિહ્નોને પ્રતિબિંબિત કરે છે.

શુભાંશુ શુક્લા અવકાશમાં ધ્વજ લહેરાવીને ભારત પરત ફર્યા 

શુભાંશુ શુક્લા તાજેતરમાં અવકાશ યાત્રાથી પરત ફર્યા છે. તેમના મિશન દરમિયાન, તેમણે અવકાશમાં 18 દિવસ વિતાવ્યા અને 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને 20 જાગૃતિ સત્રો કર્યા.