અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) એ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પાછો ખેંચવાના પોતાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. અમેરિકી ન્યાય વિભાગે ફેડરલ કોર્ટમાં સ્વીકાર્યું છે કે આ મામલો કાયદાકીય રીતે અત્યંત નબળો હતો અને તે કાં તો 1 વર્ષ પહેલાં જ પૂરો કરી દેવો જોઈતો હતો અથવા તો તેને શરૂ જ નહોતો કરવો જોઈતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં બાઇડન પ્રશાસન હેઠળ અમેરિકી ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ પર આશરે 25 crore ડોલર (આશરે 2,150 crore રૂપિયા) ની કથિત લાંચની યોજનામાં સામેલ હોવાનો અને અમેરિકી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ એવો હતો કે આ કથિત યોજના દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ અમેરિકી રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા 17.5 crore ડોલર (આશરે 1,500 crore રૂપિયા) એકત્ર કર્યા હતા.
અમેરિકી ન્યાય વિભાગે કોર્ટમાં શું કહ્યું?
અમેરિકી ન્યાય વિભાગે ફેડરલ કોર્ટમાં દાખલ કરેલા પોતાના 10 પાનાના વિગતવાર જવાબમાં જણાવ્યું છે કે, આ કેસ કાયદાકીય દ્રષ્ટિએ નબળો હોવાની સાથે-સાથે અમેરિકાની વિદેશ નીતિના હિતોની વિરુદ્ધ હતો. આ ઉપરાંત, તે ટ્રમ્પ પ્રશાસનની નવી અમલીકરણ નીતિ (Enforcement Policy) ને સુસંગત પણ નહોતો. ન્યાય વિભાગે દલીલ કરી હતી કે જો સરકારી વકીલોએ કેસ પાછા ખેંચવાના નિર્ણયોને જાહેરમાં સાબિત કરવા પડશે, તો ભવિષ્યમાં કેસ પાછા ખેંચવામાં ખચકાટ ઉભો થશે. આનાથી આંતરિક અને ગુપ્ત ચર્ચાઓ સાર્વજનિક થઈ જશે, જે ચાર્જ લગાવવાના નિર્ણયો પર એક્ઝિક્યુટિવ બ્રાન્ચના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.
જજ નિકોલસ ગારૌફિસે માંગ્યો હતો જવાબ
અમેરિકી ન્યાય વિભાગે આ સ્પષ્ટતા અમેરિકી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારૌફિસ દ્વારા માંગવામાં આવેલા ખુલાસા બાદ આપી છે. ન્યાયાધીશે DOJ ને પૂછ્યું હતું કે તે ચાર્જશીટને કાયમી ધોરણે શા માટે નાબૂદ કરવા માંગે છે. જજે વિભાગની અગાઉની ટૂંકી અરજીને અપૂરતી અને અસ્પષ્ટ ગણાવી હતી.
પ્રિન્સિપલ એસોસિએટ ડેપ્યુટી એટર્ની જનરલ આર. ટ્રેન્ટ મેકકોક્ટરે આ અંગે જણાવ્યું કે, તેમણે બચાવ પક્ષના વકીલો સાથે અનેક તબક્કાની બેઠકો યોજી હતી, સેંકડો પાનાના દસ્તાવેજોની સમીક્ષા કરી હતી અને સ્વતંત્ર કાયદાકીય વિશ્લેષણ કર્યા પછી જ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ કેસને આગળ વધારવાનો કોઈ મજબૂત આધાર નથી. તેમણે ઉમેર્યું કે આ નિર્ણય લેવો વિભાગ માટે બિલકુલ મુશ્કેલ નહોતો.

