ઉત્તરનાં રાજ્યોમાં પૂર મુદ્દે SCની કેન્દ્ર, રાજ્યોને નોટિસ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આવેલા પૂર અને ભારે વરસાદને મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોને નોટિસ પાઠવી છે. કોર્ટે વરસાદ અને પૂર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પહાડી વિસ્તારોમાં ગેરકાયદે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં પૂરનાં પાણી સાથે પહાડોમાંથી મોટી સંખ્યામાં લાકડાં વહેતા દેખાતાં એક વાયરલ થયેલા વિડિયોનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.

આ વિડિયોની નોંધ લેતાં કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકારો અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ ગેરકાયદે વૃક્ષ કાપણીનો કેસ લાગે છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યો છેલ્લા કેટલાક દિવસોથી પૂરની ચપેટમાં છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબનો પણ સમાવેશ થાય છે.

CJIએ જણાવ્યું હતું કે આ ઉપરવાસના પહાડી વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષોનું ગેરકાયદે કાપણી દર્શાવે છે. CJI બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રનની પીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરી કારણોની માહિતી મેળવે.

એ સવાલના જવાબમાં મહેતાએ કહ્યું હતું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવ સાથે સંપર્ક કરશે અને વિગતવાર માહિતી મેળવવા વિનંતી કરશે. અમે કુદરતમાં એટલો હસ્તક્ષેપ કર્યો છે કે હવે કુદરત અમને નુકસાન પહોંચાડી રહી છે, એમ તેમણે કહ્યું હતું. CJI ગવઈએ આગળ કહ્યું હતું કે આ રાજ્યોની સરકારો ત્રણ અઠવાડિયામાં જવાબ આપે. તેમણે SG તુષાર મહેતાને કહ્યું કે કેન્દ્ર પણ આ પર ધ્યાન આપે.