લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા બફાટ બાદ તેઓ સતત વિરોધનો સામનો કરી રહ્યા છે. આજથી તેમણે રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ઠેર-ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા હતા તો ગુલાબનાં ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી નેતાઓ પર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી 100ની નોટનું બંડલ કાઢી ઢોલીને આપ્યું હતું. તે ઉપરાંત તેમણે ઢોલીના ખિસ્સામાંથી પૈસા લઈને ઢોલીને આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટ ખાતે ચેટીચાંદ મહોત્સવ..#Rupala4Rajkot #ModiKaParivar pic.twitter.com/talj50spKy
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 11, 2024
આજે રાજકોટમાં પાટીદારોનો ગઢ ગણાતા કુવાડવા રોડ ઉપર રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલા હાલ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કારમાં પ્રચાર માટે જઈ રહ્યા છે. લાંબા સમયથી અલિપ્ત રહેલા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ રૂપાલાના પ્રચારમાં જોડાયા હતા. સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર જયરામ પટેલ રૂપાલાને મળ્યા હતા.જ્યાં રૂપાલાએ પ્રચાર કર્યો ત્યાંના આગેવાન અને લેઉવા પાટીદાર સમાજના ભાજપના આગેવાન ગણાતા અરવિંદ રૈયાણી દેખાયા નહોતા.
આજે સવારે રૂપાલાએ પદયાત્રા કરી હતી અને રાજકોટ લોકસભા બેઠક પરથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ડીજેના તાલે જય શ્રીરામના નારા લાગ્યા હતા તો ઢોલ-નગારાં સાથે રૂપાલાએ ભવ્ય પ્રચાર કર્યો હતો. ઘર હોય કે દુકાન, સ્થાનિકોએ રૂપાલાને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ ઉપરાંત અલગ અલગ ચોકમાં રંગોળી પણ કરવામાં આવી હતી. પાટીદારોના ગઢમાં રૂપાલાનો ભવ્ય પ્રચાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ રૂપાલા સામે રોષે ભરાયો હોવાથી રૂપાલાની સાથે મોટો પોલીસકાફલો જોડાયો હતો.