બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની ખરાબ તબિયતને કારણે લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)નું શૂટિંગ છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે. જોકે, આ અંગે ચેનલ કે અમિતાભ બચ્ચન તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, બિગ બીની તબિયત સારી ન હોવાથી શોના નિર્માતાઓએ નવા એપિસોડનું શૂટિંગ થોડા સમય માટે અટકાવ્યું છે. હાલ ચેનલ ‘દિવાળી સ્પેશિયલ વીક’ અંતર્ગત અગાઉના કેટલાક એપિસોડનું પુનઃપ્રસારણ કરી રહી છે.
‘રામાયણ’ની સ્ટારકાસ્ટવાળો એપિસોડ પણ થયો ટેલિકાસ્ટ
રિપોર્ટ અનુસાર, KBC માટે છેલ્લે શૂટ કરવામાં આવેલા મોટા સેલિબ્રિટી એપિસોડમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે જોવા મળ્યા હતા. આ કલાકારો પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રમોશન માટે શોમાં પહોંચ્યા હતા.
આ એપિસોડ ફિલ્મની રિલીઝના સમયગાળા દરમિયાન ટેલિકાસ્ટ કરવાની યોજના હતી. જોકે, અમિતાભ બચ્ચનની તબિયતને કારણે શૂટિંગ અને પ્રસારણના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેથી ચેનલે ગયા અઠવાડિયે જ ‘રામાયણ’ની ટીમવાળો એપિસોડ દિવાળી સ્પેશિયલ વીકમાં પ્રસારિત કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો અમિતાભ બચ્ચનની તબિયત સુધરશે તો આગામી અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. જોકે, આ સંપૂર્ણપણે તેમની તબિયત પર આધારિત રહેશે.
બ્લોગમાં અમિતાભે રૂટિનમાં પાછા ફરવાની કરી વાત
આ દરમિયાન અમિતાભ બચ્ચને શનિવારે પોતાના બ્લોગમાં રોજિંદા જીવનમાં ફરીથી નિયમિત થવા અને ચાહકો સાથેના જોડાણ વિશે લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે તેઓ ધીમે-ધીમે પોતાની દિનચર્યામાં પાછા ફરી રહ્યા છે. કામ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે જીવનને ફરી વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મજાકિયા અંદાજમાં ચશ્માં અને મોબાઇલ ક્યાં મૂક્યાં છે તે ભૂલી જવાની વાત પણ લખી હતી. સાથે જ વર્ષો જૂની શાળાની યાદો તેમને આજે પણ સ્પષ્ટ યાદ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
અમિતાભે પોતાના ચાહકોનો આભાર માનતાં લખ્યું કે બ્લોગ સાથે જોડાયેલા લોકો દર રવિવારે શુભેચ્છા આપવા આવતા ચાહકો અને KBCના દર્શકો તરફથી મળતો પ્રેમ તેમના માટે ખૂબ મહત્ત્વનો છે.






