બજેટમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહત, 75,000 નવી બેઠકો ઉમેરાશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં 50 હજાર શાળાઓમાં ALTS લેબ ખોલવાની યોજના છે. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. બજેટ પ્રમાણે IIT ની ક્ષમતા વધારવામાં આવશે અને 5 IIT માં વધારાના માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે.

જ્યારે IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. ઉપરાંત તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત પણ કરવામાં આવી છે.