રાજકોટ મહાનગરપાલિકાનું રૂા.2586.82 કરોડનું બજેટ રજૂ

રાજકોટ મનપાનું વર્ષ 2023-24નું બમણા પાણી વેરા અને નવા પર્યાવરણ વેરા વધારાના આંકડા કરવેરા સહિત કુલ 101 કરોડનું કરબોજવાળુ સામાન્‍ય બજેટ આજે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલને સુપ્રત કર્યું હતું. મ્‍યુનિ. કમિશનર અરોરાએ બજેટની વિસ્‍તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્‍યું હતું કે, રાજકોટ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે ત્‍યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્‍યારે મનપાએ આ પડકારને પહોંચી વળશે તેવી આશા સાથે વર્ષ 2023-24નું આ બજેટ રજૂ કર્યું છે. આ ઉપરાંત મ્‍યુ. કમિશનરે અંદાજપત્રમાં શહેરની રેસીડેન્‍સીયલ તથા કોમર્શિયલ મિલ્‍કતોના વેરામાં પણ અનુક્રમે રૂા.2 અને રૂા.3નો વધારો પ્રતિ સ્‍કે.મીટરે સુચવ્‍યો છે. જેથી મિલ્‍કતો મોંઘીદાટ થવાની શક્‍યતાઓ છે.

પાણી વેરો ત્રણ ગણો, ગાર્બેજ અને મિલ્‍કત વેરામાં બમણો વધારો

વધુમાં અમિત અરોરાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટનો કેન્‍દ્રીયવર્તીય વિચાર (થીમ) ‘નિર્મલ રાજકોટ’ અનુસાર ‘જળ, વાયુ અને થલ’ એમ ત્રિક્ષેત્રીય શુધ્‍ધતા અને સ્‍વચ્‍છતા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રીત કરે છે. કુલ 25.82 અબજના બજેટમાં પાણી વેરો ત્રણ ગણો, ગાર્બેજ અને મિલ્‍કત વેરામાં બમણો વધારો કરવાની ફરજ પડી છે. કેમકે પાણી પાછળ 156 કરોડનો થઇ જાય છે તેની સામે પાણી વેરાની આવકમાત્ર 27% જેટલી જ થાય છે. કુલ 2586.82 કરોડના આ બજેટમાં 101 કરોડનો કરબોજો દર્શાવાયો છે. બજેટની કર દરખાસ્‍તો અંગે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ કે, પાણી વેરો 840 લેવામાં આવે છે તેનો ત્રણગણો એટલે કે દર મહિને 200 રૂપિયા વર્ષે રૂા. 2400 રેસીડેન્‍સીમાં અને કોમર્શિયલમાં રૂા.1680ના રૂા.4800નો વાર્ષિક વેરો વસૂલવા સૂચવાયું છે.

મિલકત વેરા અને ગાર્બેજ કલેકશનના વેરામાં પણ વધારો

જ્‍યારે મિલકત વેરામાં રેસીડેન્‍સીમાં પર ચો.મી.11 લેવામાં આવે છે તે હવે રૂા.13 તથા કોમર્શિયલમાં રૂા. 22ના રૂા.25 લેવા દરખાસ્‍ત કરાઇ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન રહેણાંક મિલકતો માટે વાર્ષિક રૂા.730 (પ્રતિ દિન રૂા.2) તથા બિનરહેણાંક મિલ્‍કતો માટે વાર્ષિક 1460 (પ્રતિ દિન રૂા.4) તથા ખુલ્લા પ્‍લોટના 500 ચો.મી. સુધીના 28 ચો.મી. તથા 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટમાં વાર્ષિક રૂા.42 ચો.મી. તેમજ વર્ષ દરમિયાન કોઇપણ સમયમર્યાદામાં વાણિજ્‍ય હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા પ્‍લોટ માટે વાર્ષિક રૂા.56 ચો.મી. વસૂલવા સૂચવામાં આવે છે. શહેરના થિયેટર ટેકસ પ્રતિ સો રૂા.100 વસુલવામાં આવે છે તેની બદલે હવે નવા નાણાકીય વર્ષથી થિયેટર ટેકસ પ્રતિ શો રૂા.1000 લેખે નિયત કરી વસૂલવાની દરખાસ્‍ત છે.

એન્‍વાર્યમેન્‍ટ ચાર્જ વસુલવાની દરખાસ્‍ત સૌ પ્રથમ વખત

નાણાકીય વર્ષ 2023-24થી એન્‍વાર્યમેન્‍ટ ચાર્જ વસુલવાની દરખાસ્‍ત સૌ પ્રથમ વખત કરવામાં આવી છે. જેમાં કોમર્શિયલ મિલ્‍કતોનો કાર્પેટ એરીયા 50 ચો.મી.થી વધુ હોય તેવી મિલકતોના સામાન્‍ય કરના 13 ટકા લેખે નિયત કરી વસુલવાની જોગવાઇ સુચવવામાં આવી છે. શહેરમાં નવા ભળેલા તથા વિકસી રહેવા નવા વિસ્‍તારોમાં નાગરિકોને માળખાકીય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા તથા જુના વિસ્‍તારોમાં રહેતી હયાત માળખાકીય સુવિધાઓ મેન્‍ટેન કરવા જરૂરી આયોજન કરવામાં આવે છે.

નવા સાંઢીયા પુલ માટે રૂા.27.50 કરોડની જોગવાઇ

શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ જુનો જર્જરીત થયેલો હોય જે નવો બનાવવો જરૂરી છે. 2023-24ના બજેટમાં રૂા.27.50 કરોડની જોગવાઇ કરવામાં આવે છે. શહેરના ઢેબર રોડ તથા ગોંડલ રોડ પીડીએમ ફાટક પર અન્‍ડર બ્રીજ બનાવાશે. શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ટ્રાફીકનું ભારણ હળવું કરવા બ્રીજ બનાવવા પ્રી-ફીઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ તૈયાર કરવાનું આયોજન છે. આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં રસ્‍તાઓ, ડસ્‍ટ ફ્રી રોડ, વોટર સપ્‍લાય, વોર્ડ ઓફિસ, ડ્રેનેજ, આધાર કેન્‍દ્ર, કોમ્‍યુનિટી હોલ, એનિમલ હોસ્‍ટેલ તથા પશુ સ્‍મશાન સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આવેલ હયાત સાંઢીયા પુલ જુનો જર્જરીત થયેલ હોય, જે નવો બનાવવો જરૂરી હોય, જે અન્‍વયે વર્ષ 2023-24 નાં બજેટમાં રૂ.27.50 કરોડની જોગવાઈ કરી અધતન ફોર-લેન રેલ્‍વે ઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ.60 કરોડ થશે. આ કામે DPR, ડીઝાઈન-ડ્રોઈંગ તૈયાર થયેલ છે. જે રેલ્‍વે વિભાગને મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. જે મજુરી મળ્‍યે સત્‍વરે આ કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેરમાં ઢેબર રોડ તથા ગોંડલ રોડ વચ્‍ચે રેલ્‍વેલાઈન પર પી.ડી.એમ. રેલ્‍વે ફાટક પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ કોર્પોરેશનની ગ્રાન્‍ટ અન્‍વયે રેલ્‍વે અન્‍ડરબ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે માટે સરકારશ્રીમાં ફોર લેન અન્‍ડરબ્રીજ બનાવવા માટે સંકલન હાથ ધરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં કટારિયા ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે બ્રિજ બનાવવા અંગે પ્રી- ફીઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ તૈયાર કરાવવાનું આયોજન છે.રાજકોટ શહેરની હાલની વસ્‍તી માટે દૈનિક 20 મિનિટ પાણી વિતરણ વ્‍યવસ્‍થા જાળવવા માટે (01) આજી-1 જળાશયમાંથી 135 MLD, (02) ન્‍યારી-1 જળાશયમાંથી 65 એમ.એલ.ડી., (03) ભાદર-1 જળાશયમાંથી 40 MLD તથા નર્મદા યોજનામાંથી રાજકોટ મહાનગરપાલિકાના (04) રૈયાધાર ઓફટેક ખાતે 70 MLD, (05) બેડી ઓફટેક ખાતે 55 MLD, (કુલ 125 એમ.એલ.ડી.) કુલ 365 MLD પાણીનો ઉપાડ કરી દૈનિક 350 MLD પાણી રાજકોટ શહેરના ત્રણેય ઝોનના કુલ 18 વોર્ડમાં આવેલ 24 (ચોવીસ) જેટલા હેડ વર્કસ (ESR/GSR) મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. જુન – 2020 થી રાજકોટ મહાનગરપાલિકાનાં હદ વિસ્‍તારમાં નવા ભળેલા વિસ્‍તારો જેવા કે, માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મનહરપુર, મોટા મૌવામાં હાલ રૂડા દ્વારા મુખ્‍યત્‍વે ગામતળ વિસ્‍તારમાં HDPE/PVC નેટવર્ક દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જે પાણી વિતરણ વ્‍યવસ્‍થા અપૂરતી છે. ભારત સરકારનાં અમૃત 2.0 મિશન હેઠળ આ નવા ભળેલ તમામ વિસ્‍તારોમાં આવેલ જૂની પાણી વિતરણ વ્‍યવસ્‍થાને ડી.આઈ પાઇપલાઇન થી અપગ્રેડ કરવા તથા નવા વિકાસ પામી રહેલા વિસ્‍તારોમાં નવી પાણી વિતરણ વ્‍યવસ્‍થા કરવાનાં કામો મંજુર થયેલ છે. જે અંતર્ગત રૂ.246.53 કરોડનાં ખર્ચે નવા ભળેલ વિસ્‍તારોમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્કનાં કામો – રૂ.195 કરોડ તથા નવા ભળેલ વિસ્‍તારમાં 3 નવા હેડવર્કસ (ESR/GSR) – રૂ.51.53 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સર્કલ ડેવલપ

‘રંગીલા રાજકોટ’ શહેરના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે આકર્ષક સર્કલ ડેવલપ કરવામાં આવશે, જેમાં વિશાળ કદનું લાયન સ્‍ટેચ્‍યુ મૂકી શહેરની ઓળખ પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કામ માટે રૂ.35 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.