રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને અપાતી મદદ મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને અપાતી બધા પ્રકારની મદદ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. તેમના આદેશ પછી USAIDએ બાંગ્લાદેશમાં બધા પ્રકારનાં કામ અટકાવી દીધાં છે. 25 જાન્યુઆરીએ જારી એક પત્રમાં USAIDને સહયોગીઓથી સહાયતા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પત્રમાં કહ્યું છે કે તમામ USAID ભાગીદારોને USAID અને બાંગ્લાદેશ કરાર હેઠળ પૂરી પાડવામાં આવતી કોઈ પણ સબસિડી, સહકારી કરાર અથવા અન્ય સહાયને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે.

બાંગ્લાદેશના અર્થતંત્રમાં અમેરિકી મૂડીરોકાણ હંમેશાં મહત્ત્વનું રહ્યું છે. અહેવાલ અનુસાર વર્ષ 2020 સુધી બાંગ્લાદેશમાં અમેરિકાનું કુલ સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) આશરે ત્રણ અબજ ડોલર હતું. અમેરિકી કંપનીઓ બાંગ્લાદેશનાં કપડાં, ઊર્જા, કૃષિ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં મુખ્ય રોકાણકાર છે.

આ અગાઉ  ટ્રમ્પ વહીવટી તંત્રે ઇઝરાયલ, ઇજિપ્ત અને ફૂડ પ્રોગ્રામ સિવાય વિદેશી દેશોને તમામ સહાય પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન વિદેશ મંત્રાલયના આ આદેશમાં ગરીબ દેશોને સ્વાસ્થ્ય સહાય પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મેરિકાની યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિશ્વમાં વિકાસ કાર્યો માટે સહાય પૂરી પાડે છે. આ ઉદ્દેશ લોકશાહીને પ્રોત્સાહન આપવા અને ગરીબી ઘટાડવાનો છે.

USAID કેવી રીતે કામ કરે છે?

USAID સરકારો, NGO, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સમુદાયો સાથે મળીને કામ કરે છે. તેને યુએસ સંસદમાંથી પૈસા મળે છે, જેનો ઉપયોગ તે જુદા જુદા કાર્યક્રમો માટે કરે છે. તે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, લોકશાહી અને શાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મદદ કરે છે.

USAID વિશ્વના લગભગ 100 દેશોમાં કામ કરે છે, મુખ્યત્વે આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને મિડલ ઈસ્ટ મુખ્ય છે. તેનો હેતુ અમેરિકન વિદેશ નીતિને આગળ વધારવાનો અને વિશ્વભરમાં વિવિધ કટોકટીઓનો સામનો કરવાનો છે.