નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાની તૈયારી: શું બિહારમાં ભાજપનો CM?

પટના: બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર રાજ્યસભા જઈ રહ્યા છે? શું તેમના પુત્ર નિશાંતની જગ્યાએ JDUએ હવે નીતીશકુમારનું નામ આગળ ધપાવ્યું છે? આ એવા પ્રશ્નો છે જે અચાનક દિલ્હીથી લઈને બિહાર સુધીનાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગઈ કાલ સુધી નિશાંત કુમાર રાજ્યસભાથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે એવી ચર્ચા હતી. અહીં સુધી કહેવામાં આવતું હતું કે રાજ્યસભા માટે તેમના નામ પર લગભગ અંતિમ નિર્ણય થઈ ગયું છે ,પરંતુ હવે JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અચાનક દિલ્હીમાંથી પટના પરત ફરતાં નીતીશકુમાર રાજ્યસભા જવાના કયાસો તેજ બન્યા છે.

આવી સ્થિતિમાં રાજ્યમાં ગઠબંધનની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ પોતાનો મુખ્ય મંત્રી બનાવી શકે તેવી ચર્ચા છે. રાજ્યમાં સત્તાના સંભવિત પરિવર્તનથી રાજકીય સમીકરણોને નવો વળાંક મળ્યો છે. આ મોટા પ્રશાસનિક અને રાજકીય ફેરફારના સંકેતો 2026ની રાજ્યસભા ચૂંટણી વચ્ચે મળી રહ્યા છે. હાલ JDU અને ભાજપના ટોચના નેતૃત્વ વચ્ચે ઉત્તરાધિકાર યોજના અને ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સંજય ઝાના પગલાથી રાજકીય હલચલ

હોળીના દિવસે રાજ્યસભાને લઈને દિલ્હીથી લઈને બિહાર સુધીની રાજકારણમાં નીતીશકુમારના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પહેલાં રાજ્યસભા માટે નીતીશકુમારના પુત્ર નિશાંતનું નામ સામે આવ્યું હતું, પરંતુ હવે પોતે નીતીશકુમારના નામની ચર્ચા તેજ બની છે. JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા આજે વહેલી સવારે દિલ્હીથી પટના રવાના થયા હતા. પટના જવા પહેલાં તેમણે કેન્દ્રીય મંત્રી લલન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે સંજય ઝા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે સંપર્કમાં છે.

નીતીશનું દિલ્હી જવું અને ભાજપનો દાવો

નીતીશકુમાર રાજ્યસભા જવાના સમાચાર વચ્ચે હવે પ્રશ્ન ઊભો થયો છે કે બિહારની કમાન કોના હાથમાં રહેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો નીતીશકુમાર કેન્દ્રમાં કોઈ મોટી ભૂમિકા સ્વીકારશે તો બિહારમાં મુખ્ય મંત્રીપદ માટે ભાજપ પોતાનો દાવો મજબૂતીથી રજૂ કરશે. ગઠબંધનમાં સંખ્યાબળ મુજબ ભાજપ હાલમાં સૌથી મોટી પાર્ટી હોવાથી મુખ્ય મંત્રીપદ પર તેનો દાવો સ્વાભાવિક માનવામાં આવી રહ્યો છે.