PM મોદીએ વિદેશી વસ્તુઓના ત્યાગ કરવાની કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશી ચીજોનો ત્યાગ કરવાની અપીલ કરી છે. ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ ઉપસ્થિત સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર માત્ર ભારતીય સૈન્યની જવાબદારી નથી પણ 140 કરોડ દેશવાસીઓએ પણ વ્યક્તિગત રીતે તેમાં સહયોગ આપવો પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે તથા અર્થતંત્રને ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચાડવા માટે દરેક દેશવાસીએ પ્રયાસ કરવો પડશે અને તેની શરૂાત વિદેશી ચીજોનો વપરાશ બંધ કરીને કરી શકાય. તેમણે જણાવ્યું કે, શહેરોમાં અને ગામોમાં વેપારીઓએ શપથ લેવા જોઈએ કે, વિદેશી ચીજોથી ભલે ગમે તેટલો નફો થાય તો પણ તેઓ તે વેચશે નહીં. આ સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું કે, આપણા ગણેશજીની મૂર્તિ પણ વિદેશથી આવે છે, હોળીના રંગોની પીચકારી પણ વિદેશથી આવે છે, એ બધું બંધ થવું જોઈએ.

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મેડ ઈન ઈન્ડિયા ચીજો ઉપર ગર્વ કરવા હાકલ કરતા જણાવ્યું કે, તમારી પાસે હાલ જે વિદેશી વસ્તુઓ હોય તેને ફેંકવા માટે હું નથી કહેતો, પરંતુ હવે કશું નવું ખરીદો તો વિદેશી ચીજ ન ખરીદશો અને વોકલ ફૉર લોકલ બનજો. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, એકાદ-બે ટકા ચીજો જે ભારતમાં બનતી ન હોય તેની વાત અલગ છે, પરંતુ બાકીની મોટાભાગની ચીજો ભારતમાં બને જ છે અને દેશવાસીઓએ મેડ ઈન ઈન્ડિયા ચીજોનો આગ્રહ રાખવો જોઈએ.