PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નિવેદન અનુસાર નવી સંસદ ભવનનું કામ પૂર્ણ થઈ ગયું છે. PM મોદી એવા સમયે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જ્યારે તેઓ તેમના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

એક સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અત્યાધુનિક સુવિધાઓ સાથે સંસદના નવા ભવ્ય બિલ્ડીંગમાં ડેકોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે અને આ મહિનાના અંત સુધીમાં તે તૈયાર થઈ જવાની શક્યતા છે. હકીકતમાં નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ છે, જે રાષ્ટ્રનું પાવરહાઉસ છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ, વડા પ્રધાનની નવી ઓફિસ અને નિવાસસ્થાન અને નવા ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ પણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો એક ભાગ છે.