વડોદરાના આંગણેથી પીએમ મોદીની હાકલ

PM મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે વડોદરાના અંખોલ ખાતેથી દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે જનતાને અત્યંત મહત્વની અપીલ કરી છે. 24 કલાકની અંદર બીજીવાર પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે વિદેશી મુદ્રા બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ.

વડોદરામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સોનાની આયાત પાછળ દેશના અઢળક નાણાં વિદેશમાં જાય છે. તેમણે લોકોને વિનંતી કરી કે તેવા તમામ ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ જે વિદેશથી આવે છે. અગાઉ તેલંગાણામાં પણ તેમણે આ જ વાત દોહરાવી હતી કે મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને અર્થતંત્ર પર મોટું જોખમ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે.

વડાપ્રધાને પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યાં શક્ય હોય ત્યાં લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે સરકારી અને ખાનગી કચેરીઓને ‘વર્ચ્યુઅલ મીટિંગ’ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી પદ્ધતિઓ અપનાવવા સૂચન કર્યું છે, જેથી ઈંધણની બચત થઈ શકે. આ ઉપરાંત, ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જીવનમાં ઉતારવા પણ તેમણે ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વડોદરામાં ગુજરાતના ત્રીજા સરદારધામ પ્રોજેક્ટ હેઠળ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં 150 કરોડના ખર્ચે નિર્મિત 2,000 વિદ્યાર્થીઓ માટેના ડો. દુષ્યંત અને દક્ષા પટેલ છાત્રાલયનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની પણ ઉજવણી કરી હતી.

વડાપ્રધાને બંગાળ, અસામ અને પુડુચેરીના તાજેતરના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પરિણામોએ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ બનાવ્યું છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે ગુજરાતની જનતાએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે, જે વિકાસનો પાયો છે.