PM મોદીએ આજના દિવસે ગુજરાતના CM તરીકે લીધા હતા શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા ઉજાગર કરવા તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને લખ્યું, વર્ષ ૨૦૦૧માં આજ દિવસે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. મારા સાથી ભારતીયોના સતત આશીર્વાદને કારણે, હું સરકારના વડા તરીકે સેવા આપવાના મારા ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. ભારતની જનતાનો હું આભારી છું. આ તમામ વર્ષો દરમિયાન, મારા લોકોના જીવનમાં સુધારો કરવો અને આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું એ મારો નિરંતર પ્રયાસ રહ્યો છે, જેણે આપણ સૌનું પોષણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદથી લઈને વડાપ્રધાન પદ સુધીની વિકાસની ૨૪ વર્ષની સફરને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, અને ૨૦૧૪માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા. “ગુજરાતના વિકાસની આ યાત્રાને ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે, રાજ્ય સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ લોકોપયોગી યોજનાઓ લોન્ચ કરીને અને રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરશે.”

આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.