ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પ્રચાર માટે કેન્દ્રમાંથી ધૂરંધર નેતાઓ મેદાનમાં ઉતરશે. રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી પ્રચાર કરે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. તેઓ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે અને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પ્રચાર કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં આવીને સભાઓ ગજવશે.
પહેલી મેથી જ વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી જ વડાપ્રધાન મોદી રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. બીજી મેના રોજ તેઓ જૂનાગઢમાં પ્રચાર કરશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કરશે. તે ઉપરાંત બનાસકાંઠા અને આણંદ, સુરેન્દ્રનગર અને આણંદમાં પણ સભાઓ ગજવશે. વડાપ્રધાન વડોદરામાં જબરદસ્ત રોડ શો કરશે. વડાપ્રધાન ગુજરાત આવશે અને દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠકો આવરી લે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે.