પાર્થિવ ગોહિલ, માનસી પારેખની વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ₹100 કરોડના મીડિયા ફંડની જાહેરાત

વેનિસ / મુંબઈ: પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર અને નિર્માતા પાર્થિવ ગોહિલ તથા નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી-નિર્માતા માનસી પારેખે વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે પ્રતિષ્ઠિત વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ₹100 કરોડના ‘ઓરેન્ડા મીડિયા ગ્રોથ ફંડ’ (Orenda Media Growth Fund)ના લોન્ચિંગની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફંડ વિશેષ રૂપે પ્રીમિયમ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ વેન્ચર્સ, આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મો, પ્રતિષ્ઠિત પ્રોડક્શન્સ અને વૈશ્વિક સ્તરે વેચાણ યોગ્ય કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ ભવ્ય જાહેરાતની સાથે જ ટીમે ફંડ અંતર્ગત બનનારી તેમની પ્રથમ ત્રણ આંતરરાષ્ટ્રીય ફિલ્મની શ્રેણી (Slate) પરથી પણ પરદો હટાવ્યો હતો. આ પહેલ પાર્થિવ ગોહિલની ત્રણ દાયકાથી વધુ લાંબી ક્રિએટિવ સફરનો એક નવો અધ્યાય રજૂ કરે છે. જ્યાં તેઓ પોતાના શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, પ્લેબેક સિંગિંગ અને પ્રોડક્શનના વારસાને એક વિશાળ વૈશ્વિક રોકાણ દ્રષ્ટિકોણ સાથે જોડી રહ્યા છે.

ફંડનું માળખું અને સંચાલન

ઓરેન્ડા ગ્રુપ (Orenda Group)નું નેતૃત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી સફળ ઉદ્યોગપતિ બનેલા અને હાલમાં $120 મિલિયનનું ફંડ સંભાળતા તરુણ શાહ કરી રહ્યા છે. તે આ ઓરેન્ડા મીડિયા ગ્રોથ ફંડનું સંચાલન અને માળખાકીય આયોજન કરશે. લોસ એન્જલસ સ્થિત અભિનેત્રી-નિર્માતા રાશાના શાહ પણ આ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ ફંડ 4 વર્ષના ગાળા માટે રચવામાં આવ્યું છે. તેમાં 30%નો પ્રોજેક્ટેડ ઈન્ટરનલ રેટ ઓફ રિટર્ન (IRR) લક્ષ્યાંકિત કરવામાં આવ્યો છે. પોર્ટફોલિયો ફાળવણી મુજબ,

  • 50% રોકાણ: મોશન પિક્ચર્સ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં

  • 30% રોકાણ: મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સ્ટાર્ટ-અપ્સમાં

  • 20% રોકાણ: ઓરિજિનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) અને લાઈવ ઈવેન્ટ્સમાં

SEBI (સેબી) તરફથી આગામી એક મહિનામાં લાયસન્સ મળ્યા બાદ આ ફંડ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું મુકાશે.

૩ આંતરરાષ્ટ્રીય ફિલ્મોની જાહેરાત

વૈશ્વિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ ફંડ હેઠળ પ્રથમ તબક્કામાં ૩ વિવિધ વિષયો પર આધારિત ફિલ્મોનું નિર્માણ કરવામાં આવશે.

  1. નંદા દેવી (Nanda Devi): હિમાલયની પૃષ્ઠભૂમિ પર રચાયેલી એક હાઇ-કોન્સેપ્ટ ઇન્ટરનેશનલ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ.

  2. લક્ષ્મણ (Laxman): એક નાના બાળકની અત્યંત પ્રેરણાદાયી વાર્તા, જે રખડતી અને અનાથ ગાયોની સંભાળ રાખવાના પોતાના સ્વપ્નને એક વ્યાપક સામાજિક આંદોલનમાં ફેરવી દે છે.

  3. પર્પલ અમેરિકા (Purple America): એવોર્ડ વિજેતા અમેરિકન લેખક રિક મુડીની પ્રખ્યાત નવલકથા પર આધારિત ફિલ્મ, જે પરિવાર, મૃત્યુ, માનસિક આઘાત અને પ્રેમના સંબંધોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરે છે.

પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની ક્રિએટિવ સફર

પાર્થિવ ગોહિલે ગુજરાતી સુગમ સંગીત અને લોકસંગીતથી લઈને બોલિવૂડમાં ‘દેવદાસ’, ‘સાવરિયા’, ‘હીરોઝ’, ‘વાદા રહા’ અને ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યા છે. ‘સાવરિયા’નું ‘યૂં શબનમી’ ગીત આજે પણ દેશભરમાં ભારે લોકપ્રિય છે. આ ઉપરાંત તેઓ કોક સ્ટુડિયો @ MTV અને ‘ફિર મિલે સુર મેરા તુમ્હારા’ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન આપી ચૂક્યા છે.

સિનેમા ક્ષેત્રે તેમના પ્રોડક્શન હાઉસ ‘સોલ સૂત્ર’ (Soul Sutra) દ્વારા તેમણે ‘ગોળકેરી’, ‘કચ્છ એક્સપ્રેસ’, ‘લાલો’ અને ‘ઝમકુડી’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ૭૦મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા બદલ રજત કમળ (Silver Lotus) એવોર્ડ મળ્યો હતો. જ્યારે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમની આ ફિલ્મોએ વૈશ્વિક સ્તરે ૪૧ દેશમાં પ્રદર્શન કરીને ગુજરાતી સિનેમાનો ડંકો વાગડ્યો છે.

આ પ્રસંગે પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે, “શ્રેષ્ઠ વાર્તાઓ સરહદો, ભાષાઓ અને સંસ્કૃતિઓની સીમાઓને ઓળંગી જાય છે. સંગીતથી શરૂ થયેલી મારી સફર આજે ફિલ્મ નિર્માણ સુધી પહોંચી છે. અમારો ઉદ્દેશ્ય એવા સર્જકોને પ્રોત્સાહિત કરવાનો છે જે સાહસિક અને અર્થપૂર્ણ વાર્તાઓ રજૂ કરવા માંગે છે.”

માનસી પારેખે ઉમેર્યું હતું કે, “અમારો હેતુ કલા અને સિનેમાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સીમાઓને ભૂંસી નાખવાનો છે. ભારતીય અને પ્રાદેશિક વાર્તાઓને વૈશ્વિક મંચ પર પહોંચાડીને આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો આ એક મોટો અવસર છે.”

વેનિસનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ, પાર્થિવ ગોહિલ તેમના વાર્ષિક નવરાત્રિ લાઈવ શોની તૈયારીઓમાં જોડાશે. જ્યારે માનસી પારેખ તેમની આગામી નેટફ્લિક્સ સિરીઝ ‘ચુંબક’ના રિલીઝ માટે સજ્જ થશે.